India

તમિલનાડુના રાજકારણમાં ફરી ભૂકંપ, AIADMK ના 10 ધારાસભ્યો રાજીનામું ધરશે! CM વિજયને લાગશે લોટરી

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની પાર્ટી TVK 15 ઓગસ્ટ પહેલા AIADMKના 10 ધારાસભ્યોને પક્ષમાં ભેળવી બહુમતી તરફ આગળ વધી રહી છે. આ ઓપરેશનને 'ઓપરેશન L' નામ અપાયું છે. ધારાસભ્યોને રાજીનામું આપી પેટાચૂંટણી દ્વારા ફરી જનાદેશ મેળવવો પડશે. TVK તેમને ટિકિટ અને મંત્રીપદનું વચન આપ્યું છે. વિજયની નવી રણનીતિથી વિપક્ષ AIADMK નબળો પડી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુના રાજકારણમાં ફરી ભૂકંપ, AIADMK ના 10 ધારાસભ્યો રાજીનામું ધરશે!  CM વિજયને લાગશે લોટરી

Tamilandu Politics | તમિલનાડુના રાજકારણમાં આ સમયે એક બહુ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની આગેવાની હેઠળની સત્તાધારી પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) વિધાનસભામાં બહુમતીના આંકડા તરફ મજબૂતીથી વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય વિપક્ષી પાર્ટી એઆઈએડીએમકે (AIADMK) ના આશરે 10 જેટલા અસંતુષ્ટ ધારાસભ્યો વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપીને 15 ઓગસ્ટ પહેલાં સત્તાવાર રીતે શાસક પક્ષ TVK માં સામેલ થઈ શકે છે. મુખ્યમંત્રી વિજયની પાર્ટીમાં આ સમગ્ર યોજનાને 'ઓપરેશન એલ' (Operation L) નામ આપવામાં આવ્યું છે.

રાજીનામું આપ્યા બાદ જ એન્ટ્રી: સીએમ વિજયની નવી વ્યૂહરચના
સૂત્રોનું કહેવું છે કે ધારાસભ્યોના રાજીનામાનું ટાઈમિંગ ખૂબ જ સમજી-વિચારીને નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી વિજયની વ્યૂહરચના અન્ય પક્ષો કરતાં અલગ છે. તેઓ જથ્થાબંધ દલબદલ કરાવવાના બદલે તબક્કાવાર નેતાઓને સામેલ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ એ વાત પર અડગ છે કે કોઈ પણ વિપક્ષી ધારાસભ્યને ચાલુ પદે પક્ષમાં લેવામાં આવશે નહીં; તેમણે પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડશે અને પેટાચૂંટણી દ્વારા જનતાની વચ્ચે જઈને નવો જનાદેશ મેળવવો પડશે. રાજીનામું આપનારા નેતાઓને પેટાચૂંટણીમાં TVK ની ટિકિટ આપવાનું અને જીત્યા બાદ કેબિનેટ મંત્રી પદ તેમજ સંગઠનમાં મોટા હોદ્દા આપવાનું વચન અપાયું છે.

બેઠકોનું ગણિત અને વિપક્ષનું નબળું પડવું
234 સભ્યોની તમિલનાડુ વિધાનસભાની વર્તમાન ક્ષમતા 227 ધારાસભ્યોની છે, જ્યારે 7 બેઠકો ખાલી છે. હાલમાં સત્તાધારી TVK પાસે 107 ધારાસભ્યો છે. બીજી તરફ, વિપક્ષી AIADMK માં સતત પડી રહેલા ગાબડાંને કારણે ધારાસભ્યોની સંખ્યા ઘટીને માત્ર 41 થઈ ગઈ છે. તાજેતરમાં જ પૂર્વ મંત્રી સી. વિજયભાસ્કર, એમ. આર. વિજયભાસ્કર, એમ.એસ.એમ. આનંદન અને એસ. વલારમથી જેવા દિગ્ગજો પણ વિજયની પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. અંદરની વાત મુજબ, હવે પછીના જૂથમાં AIADMK ના શક્તિશાળી ક્ષેત્રિય નેતાઓ એસ. પી. વેલુમણિ અને સી. વી. શણમુગમના નજીકના નેતાઓ સામેલ છે, અને જુલાઈના અંત કે ઓગસ્ટની શરૂઆતમાં આ બંને દિગ્ગજો પોતે પણ TVK નો દામન થામી શકે છે.

ઇપીએસ (EPS) પર સરમુખત્યારશાહીના આક્ષેપો અને વિપક્ષનો વળતો પ્રહાર
પક્ષ છોડવાની તૈયારી કરી રહેલા નેતાઓના મતે, આ પગલું અચાનક લેવાયેલો નિર્ણય નથી પરંતુ એદપ્પાદી કે. પલાનીસ્વામી (EPS) ની સરમુખત્યારશાહી સામે વર્ષોની હતાશાનું પરિણામ છે. નેતાઓનો આરોપ છે કે EPS આજીવન પક્ષના જનરલ સેક્રેટરી પદે રહેવા માંગે છે અને વફાદાર જિલ્લા સચિવોને હટાવવા છતાં વિવાદ ઉકેલવાનો કોઈ પ્રયાસ કરાયો નથી. બીજી તરફ, વિપક્ષી દળ DMK એ આ પક્ષપલટાને 'પોલિટિકલ વોશિંગ મશીન' ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચારની તપાસનો સામનો કરી રહેલા પૂર્વ મંત્રીઓને બચાવવા માટે આ સુરક્ષિત રસ્તો અપાઈ રહ્યો છે. જોકે, TVK એ સ્પષ્ટતા કરી છે કે કાનૂની તપાસ પોતાની જગ્યાએ સ્વતંત્ર રીતે ચાલુ જ રહેશે.