સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત
Annual Fastag : કેન્દ્ર સરકાર હવે દેશના જાહેર પરિવહનને વધુ સુવિધાજનક બનાવવા માટે તમામ પ્રચાર કરી રહી છે. આ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી વ્યાવસાયિક વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવવા પર વિચારણા શરૂ કરી દીધી છે. જો આ યોજના અમલમાં આવશે તો દરરોજ લાખો મુસાફરો માટે ટોલ પ્લાઝા પર થતા વિલંબથી છૂટકારો મળશે અને મુસાફરી વધુ સરળ બનશે.
દેશમાં લગભગ 20 લાખ પ્રાઈવેટ બસો
બસ એન્ડ કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડેટા મુજબ, દેશમાં લગભગ 92 ટકા પ્રાઈવેટ બસો રસ્તા પર દોડી રહી છે, જેની સંખ્યા લગભગ 20 લાખ છે. આ ડેટા દર્શાવી રહ્યા છે કે, દૈનિક માત્ર પાંચ લાખ લોકો વિમાનથી મુસાફરી કરે છે, જ્યારે 2.40 કરોડ લોકો રેલવેથી અને 40 કરોડ લોકો બસ દ્વારા મુસાફરી કરે છે, જેમાંથી 32 કરોડ મુસાફરો પ્રાઈવેટ બસોમાં સફર કરતા હોય છે. આ જોતા એવું કહી શકાય કે, બસ પરિવહન દેશની જીવાદોરી સમાન છે.
આ પણ વાંચો : હવેથી આરક્ષિત ટિકિટ માટે પણ આ દસ્તાવેજ જરૂરી, 1 ઓકટોબરથી રેલવેમાં નવા નિયમો
બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવવાની વિચારણા
કન્ફેડરેશને મંત્રાલય સમક્ષ પૂરતી સુવિધાઓ ન મળવાની ફરિયાદ કરી હતી. તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ આશ્વાસન આપ્યું છે કે, જે રીતે ખાનગી કાર ચાલકો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ થયો છે, તેવી જ સુવિધા રાજ્ય પરિવહન અને ખાનગી બસો તેમજ ટેક્સી ચાલકોને પણ આપવા પર વિચારણા ચાલી રહી છે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે, ટ્રાન્સપોર્ટેશન વાહનો વધુ ફેરા કરતા હોવાથી તેમની માટે વાર્ષિક પાસની રકમ વધુ હોવી જોઈએ. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે.