VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી
Indore Truck Accident : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સોમવારે સાંજે એરપોર્ટ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક ફુલસ્પીડે દોડી રહેતા ટ્રકે 15થી 20 વાહનોને ફંગોળ્યા છે. વ્યસ્ત રોડ પર બેકાબુ થયેલા ટ્રકે કાર, રિક્ષા, બાઈક સહિત 20 જેટલા વાહનોને ભારે નુકસાન કર્યું છે. આ દર્દનાક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો અને ચારેબાજુ ચીસો સંભળાવા લાગી હતી.
આ ઘટના બાદ લોકો ભારે ગુસ્સે ભરાયા છે. અકસ્માતથી ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા વચ્ચે જ ટ્રકને આગ ચાંપી દીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, જ્યારે પોલીસે ભીડને સમજાવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની કોશિશ કરી.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એડિશનલ ડીસીપી આલોક શર્માએ પોલીસ દળ સાથે સ્થળ પર હાજર રહીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત બાદ મુખ્યમંત્રી મોહન યાદવે પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળની મુલાકાત લેવાનો આદેશ આપ્યો અને રાત્રે 11 વાગ્યા બાદ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અંગે તપાસ કરવાના નિર્દેશ પણ આપ્યા છે.
ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ટ્રકનું વ્હીલ તૂટી જવાથી કે બ્રેક ફેલ થવાથી અકસ્માત થયો હોઈ શકે છે. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને ટ્રકના ટાયરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ટ્રક નીચે એક બાઇક ફસાઈ જતાં તે ઘસડાઈ હતી અને આગ લાગી હતી, જેના કારણે ટ્રક પણ આગની લપેટમાં આવી ગયો. હાલમાં પોલીસ ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.