BIG NEWS | હવેથી આરક્ષિત ટિકિટ માટે પણ આ દસ્તાવેજ જરૂરી, 1 ઑકટોબરથી રેલવેમાં નવા નિયમો
IRCTC Online Ticket Booking New Rule : ટ્રેનની મુસાફરી કરવા માટે ઍડ્વાન્સમાં એટલે કે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવનારાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓને અટકાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આ મુજબ આગામી મહિનાની પહેલી તારીખથી ઓનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે.
નવો નિયમ પહેલી ઑક્ટોબરથી લાગુ થશે
પહેલી ઑક્ટોબરથી લાગુ થનાર નવા નિયમ મુજબ રિઝર્વેશન ખુલ્યાની શરુઆતની 15 મિનિટમાં માત્ર આધારનું વેરિફિકેશન ધરાવનારા લોકો જ ટિકિટ બુકિંગ કરાવી શકશે. એટલે કે આ દરમિયાન જેનું આધાર વેરિફિકેશન (Aadhaar Verification) થયેલું હશે તેઓને જ 15 મિનિટમાં તેનો લાભ મળશે. આ નિયમ IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ બંને પર લાગુ થશે.
નવા નિયમથી મુસાફરોને ફાયદો, દલાલોની ગેરરીતિનો પ્રયાસ અટકશે
અત્યાર સુધી આવો નિયમ માત્ર તત્કાલ બુકિંગ પર લાગુ હતો, જોકે હવે સામાન્ય રિઝર્વ ટિકિટ પર પણ લાગુ થશે. રેલવેનો ઉદ્દેશ્ય ટિકિટ રિઝર્વેશન સિસ્ટમનો દુરુપયોગ અટકાવવાનો અને જરૂરિયાતવાળા મુસાફરોને પ્રાથમિકતા આપવાનો છે. આ નિર્ણયથી ટિકિટ મેળવવાનો પ્રયાસ કરનારા મુસાફરોને સીધો ફાયદો થશે અને દલાલો-બ્રોકર્સ દ્વારા ટિકિટ બ્લોક કરવાના પ્રયાસો અટકી જશે. આ નિર્ણયથી ટિકિટ બુકિંગ શરુ થતાં જ તરત ટિકિટ મેળવવાનો પ્રયાસ કરતાં મુસાફરોને સીધો ફાયદો થશે, કારણ કે દલાલો કે બ્રોકર્સ દ્વારા ટિકિટ બ્લોક કરવાનો પ્રયાસ અટકશે.
કાઉન્ટર પરથી ટિકિટના નિયમમાં કોઈ ફેરફાર નહીં
રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, નવો નિયમ માત્ર ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે જ છે. કમ્પ્યુટરાઇઝ્ડ પીએસઆર (PRS) કાઉન્ટર પરથી ટિકિટ લેનારાઓ માટે સમય કે પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેવી જ રીતે, ટિકિટ આપતાં અધિકૃત એજન્ટો માટે પહેલાથી લાગુ 10 મિનિટનો નિયમ યથાવત્ રહેશે.