Get The App

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી 1 - image

Andhra Pradesh Petrol Diesel Shortage: આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર દેખાવા લાગી છે. રાજ્યના 4510 પેટ્રોલ પંપોમાંથી અંદાજે 421 પંપો સ્ટોકના અભાવે કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

CM ચંદ્રબાબુ નાયડુ એક્શન મોડમાં

રાજ્યમાં ઇંધણની કટોકટી વચ્ચે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રવિવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુંબઈથી અમરાવતી પરત ફરતા પહેલા જ તેમણે મુખ્ય સચિવ સાઈ પ્રસાદ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેલિફોનિક કોન્ફરન્સ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. CM એ જિલ્લા કલેક્ટરો અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓને ખાસ કરીને એક્વાકલ્ચર સેક્ટરમાં ઇંધણની સપ્લાય ખોરવાય નહીં તે માટે તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવા સૂચના આપી છે.

માંગમાં 50% થી વધુનો ઉછાળો પેનિક બાયિંગ મુખ્ય કારણ

અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, સપ્લાયમાં અડચણોની અફવાને કારણે લોકો જરૂરિયાત કરતા વધુ ઇંધણ ભરાવી રહ્યા છે. રોજના આશરે 6330 કિલોલીટર પેટ્રોલ અને 9048 કિલોલીટર ડીઝલનું વેચાણ થાય છે. શનિવારે જ 10,345 કિલોલીટર પેટ્રોલ અને ૧૪,૧૫૬ કિલોલીટર ડીઝલનું વેચાણ થયું હતું. આમ, માંગમાં 50% થી વધુનો અચાનક ઉછાળો આવતા પેટ્રોલ પંપ પરનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે. સપ્લાયમાં 10% નો વધારો કરવામાં આવ્યો હોવા છતાં, પેનિક બાયિંગને કારણે લાંબી કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો : પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ

પેટ્રોલિયમ એસોસિએશનની ચિંતા

આંધ્રપ્રદેશ પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ ગોપાલ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, ઓઈલ કંપનીઓ હાલમાં દર બે દિવસે એકવાર સ્ટોક રિફિલ કરી રહી છે, જે પૂરતો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લીટર 30 થી 40 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જે સપ્લાય ચેઈનને અસર કરી રહ્યું છે. જો રવિવારે પુરવઠો સામાન્ય નહીં થાય તો સોમવાર સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

કેન્દ્ર સરકારની અપીલ અફવાઓથી દૂર રહો

બીજી તરફ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ અને હોર્મુઝની સ્ટ્રેટના વિવાદ વચ્ચે પણ ભારત સરકાર 100% સપ્લાય સુનિશ્ચિત કરી રહી છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને લોકોએ બિનજરૂરી સંગ્રહખોરી કે પેનિક બાયિંગ ટાળવું જોઈએ. હાલમાં આંધ્રપ્રદેશ સરકાર ઓઈલ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોમવાર સુધીમાં સપ્લાય ચેઈન ફરી પાટા પર આવી જશે.