દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા

ISIS Terrorists Arrested In Delhi: દિલ્હી પોલીસે ઇસ્લામિક સ્ટેટ(ISIS)થી પ્રેરિત આતંકી જૂથના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ IED બ્લાસ્ટની તૈયારીના અંતિમ તબક્કામાં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે. તેમણે હમણાં જ આત્મઘાતી હુમલાની તાલીમ પૂર્ણ કરી હતી. બંને આતંકવાદી પૈકી એકની દિલ્હી અને બીજાની મધ્યપ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી અને ભોપાલથી ધરપકડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બંને આતંકવાદીઓની ધરપકડ કરી હતી. બંને આતંકવાદીઓ ભયાનક આતંકવાદી સંગઠન ISIS જૂથ સાથે સંકળાયેલા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના દરોડા દરમિયાન ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંથી એકનું નામ અદનાન છે. એક આતંકવાદીની દિલ્હીના સાદિક નગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજાની ભોપાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીમાં કરવાના હતા બ્લાસ્ટ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બંને આતંકીઓ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા. તેમની પાસેથી શસ્ત્રો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે, આ ISIS પ્રેરિત જૂથ પાકિસ્તાનના ISI દ્વારા સંચાલિત છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે કામ કરી રહી છે. આ જૂથ સાથે તેઓ કેવી રીતે જોડાયા, અને તેમના અન્ય સાથીઓ વિશે પૂછપરછ થઈ રહી છે. તેમજ આતંકી હુમલા માટે ફંડિંગ અને ષડયંત્ર રચનારા વિશએ પણ તપાસ હાથ ધરાઈ છે.

