‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા
SIR Row, BJP Claims : ચૂંટણી પંચ દ્વારા બિહારમાં શરુ કરાયેલ મતદાર યાદી સુધારણા (SIR) મામલે વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી SIR મામલે રોજબરોજ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરતાં રહ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ SIRનો મામલો પહોંચી ગયો છે, ત્યારે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધી, મતદાર યાદીમાં સોનિયા ગાંધીના નામમાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા શેર કર્યા છે.
‘મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું બે વખત નામ, ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન’
ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ દાવો કર્યો છે કે, જ્યારે સોનિયા ગાંધી ભારતના નાગરિક ન હતા, ત્યારે તેમનું નામ મતદાર યાદીમાં બે વખત રજિસ્ટર્ડ થયેલું હતું અને આ બાબત ચૂંટણી કાયદાનું સ્પષ્ટરૂપે ઉલ્લંઘન થયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ જ કારણે રાહુલ ગાંધી અયોગ્ય, ગેરકાયદેસર અને SIRનો વિરોધ કરી રહેલા મતદારોને કાયદેસર કરવાની તરફેણ કરી રહ્યા છે.
‘ઈટાલીના નાગરિક હતા તો પણ મતદાર યાદીમાં નામ નોંધાયું’
માલવિયાએ સોશિયલ મીડિયા એક્સ પર પુરાવા સાથે પોસ્ટ લખી છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ પહેલીવાર 1980માં નોંધાયું હતું, જોકે તેઓ તે વખતે ઈટાલીના નાગરિક હતા અને હજુ સુધી તેમને ભારતીય નાગરિકતા મળી નથી. તે વખતે ગાંધી પરિવાર 1, સફદરજંગ રોડ, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને રહેતો હતો. તેથી મતદાર યાદીમાં આ જ સરનામે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધીનું નામ હતું. વર્ષ 1980માં મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ હતી, જેમાં એક જાન્યુઆરી-1980 માન્યતા તારીખ રાખવામાં આવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધીનું નામ પોલિંગ સ્ટેશન નંબર-145માં 388 ક્રમે જોડવામાં આવ્યું હતું.
‘નાગરિકતા મળે તે પહેલા જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં નોંધી દેવાયું’
તેમણે કહ્યું કે, ‘1982માં વિવાદ થયો હતો, જેના કારણે સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયું, પછી 1983માં ફરી મતદાર યાદીમાં નામ રજિસ્ટર્ડ કરી પોલિંગ સ્ટેશન 140માં 236 ક્રમ આપવામાં આવ્યો. આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તે વખતે મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ ત્યારે યોગ્ય તિથિ એક જાન્યુઆરી-1983 નક્કી કરવામાં આવી હતી, જ્યારે સોનિયા ગાંધીને 30 એપ્રિલ-1983માં ભારતીય નાગરિકતા મળી હતી. એટલે કે તે સમયે તેઓ ભારતીય નાગરિક ન હતા.
માલવીએ એવું પણ કહ્યું કે, ‘સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાના 15 વર્ષ બાદ જ ભારતીય નાગરિકતા કેમ મેળવી? મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું બે વખત નામ આવવું એ ગંભીર મામલો છે.
SIR મામલે રાહુલનું ચૂંટણી પંચ પર હલ્લાબોલ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપની મિલિભગત હોવાનો આક્ષેપ કરી કહ્યું હતું કે, એસઆઇઆર દ્વરા વોટ ચોરી કરવામાં આવી રહી છે. રાહુલે કથિત વોટ ચોરી વિરુદ્ધ એક અભિયાન શરુ કર્યું છે. તેમણે વોટ ચોરીના આક્ષેપોની પુષ્ટિ કરવા અનેક ઉદાહરણ આપ્યા હતા. તેમણે કહ્યું કે વોટ ચોરી કરવા માટે પાંચ પ્રકારની રીત અપનાવવામાં આવી છે, જેમાં ચૂંટણી પંચે ડુપ્લિકેટ મતદાર બનાવાયા માટે બનાવટી, અમાન્ય સરનામું, એક જ સરનામે અનેક નામ, અમાન્ય ફોટો વાળા અનકે મતદારો ઊભા કર્યા છે. એટલું જ નહીં મતદારો માટેના ફોર્મ-6નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. વિપક્ષોએ એસઆઇઆરના વિરોધમાં દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચની ઑફિસ સુધી પદયાત્રા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેઓએ ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે વિપક્ષના સાંસદો આગળ વધે તે પહેલા પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા.