વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ
Notice to Muzaffarpur Mayor: દિલ્હીથી બિહાર સુધી વોટ ચોરી અને મતદાર યાદી સુધારણા પર ભારે હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી લઈને આરજેડી નેતા તેજસ્વી યાદવ સુધી બધા ચૂંટણી પંચ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને ચૂંટણીમાં ગેરરીતિ કરી રહ્યું છે. આ દરમિયાન, તેજસ્વીએ પણ દાવો કર્યો છે કે ભાજપના મોટા નેતાઓના 2-2 વોટર આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા છે.
બે ચૂંટણી કાર્ડ બાબતે તેમને DM મુઝફ્ફરપુર તરફથી નોટિસ જારી
મુઝફ્ફરપુરના મેયરના બે EPIC નંબર હોવાનો અને તેમના પરિવારના સભ્યોના પણ ખોટા વોટ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલામાં મુઝફ્ફરપુરના મેયર નિર્મલા દેવીની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે બે ચૂંટણી કાર્ડ બાબતે તેમને DM મુઝફ્ફરપુર તરફથી નોટિસ જારી કરવામાં આવી છે. બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના નેતા અને મુઝફ્ફરપુરના મેયર નિર્મલા દેવીના બે EPIC નંબર હોવાનો ખુલાસો કર્યો હતો.
તેજસ્વી યાદવે શું આરોપ મૂક્યો હતો?
તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે નિર્મલા દેવી પાસે REM1251917 અને GSB1835164, એમ બે ચૂંટણી કાર્ડ છે. આ બંને નંબરથી તેમના બે અલગ-અલગ વોટ એક જ વિધાનસભા ક્ષેત્રના અલગ-અલગ મતદાન કેન્દ્રો પર નોંધાયેલા છે. બંને ચૂંટણી કાર્ડમાં નિર્મલા દેવીની ઉંમર પણ અલગ-અલગ બતાવાઈ છે. બિહારમાં તેમણે બે અલગ-અલગ ફોર્મ ભર્યા હતા.
આ પણ વાંચો: જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ
તેજસ્વી યાદવે આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું નિર્મલા દેવીએ બિહાર એસઆઈઆરના બે અલગ-અલગ ફોર્મ પર 2 અલગ-અલગ સહીઓ કરી છે? ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નિર્મલા દેવીના એક જ વિધાનસભા મતવિસ્તારમાં 2 અલગ-અલગ ચૂંટણી કાર્ડ, 2 અલગ-અલગ ઉંમર સાથેના 2 અલગ-અલગ ચૂંટણી કાર્ડ કેવી રીતે બની ગયા?