India

વિશ્વભરમાં ઓઈલ સંકટ વચ્ચે મોટો વળાંક, હોર્મુઝ ખોલવા ઈરાને અમેરિકાને આપી '7 દિવસની ડેડલાઇન'

By GS Team
25 Sep 20263 mins read
TukuTouch Logo
ઈરાને અમેરિકાને હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવા 7 દિવસની ડેડલાઇન આપી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે, નવી દરખાસ્ત સ્વીકારાય તો 20% વૈશ્વિક ઊર્જા પુરવઠો ધરાવતો આ માર્ગ 7 દિવસમાં ખુલશે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે, યુદ્ધનો અંત અમેરિકાના હાથમાં છે. જોકે, અમેરિકા ઉતાવળમાં નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વભરમાં ઓઈલ સંકટ વચ્ચે મોટો વળાંક, હોર્મુઝ ખોલવા ઈરાને અમેરિકાને આપી '7 દિવસની ડેડલાઇન'

Iran Gives US Deadline to Reopen Hormuz : વિશ્વવ્યાપી ક્રૂડ ઓઈલ સંકટ વચ્ચે એક મોટો રાજકીય અને કૂટનીતિક વળાંક આવ્યો છે. ઈરાને અમેરિકા સમક્ષ હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવા અને છેલ્લા લગભગ 7 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષના કાયમી ઉકેલ માટે વાતચીત શરૂ કરવા 7 દિવસની નવી યોજના રજૂ કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે, તેહરાનની આ નવી દરખાસ્ત જૂન મહિનામાં થયેલા અગાઉના સમજુતી પત્ર જેવી જ છે, જે તે સમયે અમલમાં આવી શકી નહોતી.

પ્રસ્તાવમાં શું છે શરતો?

ઈરાનના મધ્યસ્થીઓએ વ્હાઇટ હાઉસને પોતાની દરખાસ્ત સુપરત કરી દીધી છે. જો આ પ્રસ્તાવ સ્વીકારાય તો પર્શિયન ગલ્ફ અને ઓમાનની ખાડી વચ્ચેનો આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ એક અઠવાડિયાની અંદર ફરી ખુલી શકે છે, જ્યાંથી દુનિયાનો આશરે પાંચમો ભાગ એટલે કે 20% ઊર્જા પુરવઠો પસાર થાય છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અરાઘચીએ જણાવ્યું હતું કે, અમે મધ્યસ્થીઓ દ્વારા અમેરિકા સમક્ષ યોજના મૂકી છે. જો નક્કી કરેલી શરતો પૂર્ણ થાય તો 7મા દિવસના અંતે હોર્મુઝ જળમાર્ગ ખુલી જશે અને બંને દેશો વચ્ચેની સત્તાવાર વાતચીત ફરી શરૂ થશે.

યુદ્ધવિરામ માટે ઉતાવળ નથી પરંતુ સમયમર્યાદા સ્પષ્ટ

ઈરાની વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેહરાન કોઈ ઉતાવળમાં નથી, પરંતુ જો અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલાં આ કરાર થઈ જાય તો તે વધુ હિતાવહ રહેશે. તેમણે જણાવ્યું કે, જે ક્ષણે અમેરિકન વહીવટીતંત્ર આ દરખાસ્તનો સ્વીકાર કરશે, તેના બીજા જ દિવસથી આ 7 દિવસની સમયરેખા શરૂ થઈ જશે. જોકે આ નવી દરખાસ્તમાં પરમાણુ મુદ્દાઓનો સમાવેશ છે કે નહીં તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પરમાણુ હથિયારો વિકસાવવા પર કડક નિયંત્રણો સ્વીકારે, જ્યારે ઈરાન પોતાના નાગરિક પરમાણુ કાર્યક્રમને ચાલુ રાખવા પર મક્કમ છે.

અમેરિકાનું વલણ: કોઈ ઉતાવળ નહીં

વાતચીત સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) નું વહીવટીતંત્ર મધ્યસ્થીઓ મારફતે હકારાત્મક અને રચનાત્મક ચર્ચા ચલાવી રહ્યું છે, પરંતુ અમેરિકા ઉતાવળિયું પગલું ભરવાના મૂડમાં નથી. તેમણે ઉમેર્યું કે હોર્મુઝ જળમાર્ગ પર સુરક્ષા નિયંત્રણ હોવાના કારણે અમેરિકા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને ગઈકાલે રાત્રે જ આ માર્ગ પરથી આશરે 22 મિલિયન બેરલ તેલ પસાર થયું છે.

યુદ્ધ પૂરું કરવું કે નહીં તે અમેરિકાના હાથમાં: ઈરાની રાષ્ટ્રપતિ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન (Iran President Masoud Pezeshkian) એ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ સંઘર્ષ ક્યારે સમાપ્ત થશે તેનો અંતિમ નિર્ણય અમેરિકાના હાથમાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઈરાન આ તણાવને આગળ વધારવા માંગતું નથી, પરંતુ તે ક્યારેય અમેરિકાના અન્યાયી દબાણ સામે ઝૂકશે પણ નહીં. યુદ્ધ સમાપ્ત કરવાના માર્ગોને લઈને બંને દેશો વચ્ચે હજુ પણ ઊંડા મતભેદો પ્રવર્તી રહ્યા છે.

પ્રમુખ ટ્રમ્પનું કડક અને નરમ વલણ

અમેરિકી પ્રમુખે તાજેતરમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે જો કરાર નહીં થાય તો ઈરાન સામે આકરા પગલાં લઈ શકાય છે, પરંતુ સાથે જ તેમણે ટૂંક સમયમાં સમજૂતી થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી. આ અગાઉ જૂનમાં પણ યુદ્ધવિરામનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, કારણ કે તેહરાન તેને હોર્મુઝ પર પોતાના આધિપત્યની માન્યતા તરીકે રજૂ કરી રહ્યું હતું, જેને અમેરિકા અને તેના સહયોગી દેશોએ ફગાવી દીધું હતું.