Get The App

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા 1 - image


સૈન્યના આધુનિકીકરણ માટે 2.19 લાખ કરોડની ફાળવણી

વિમાન અને એરો એન્જિન માટે રૂ. ૬૬,૭૩૩ કરોડ અને રૂ. ૨૫,૦૨૩ કરોડ નેવી કાફલા માટે ખર્ચાશે

(પીટીઆઈ) નવી દિલ્હી: દુનિયામાં હાલ રશિયા-યુક્રેન યુદ્ધની સાથે મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ અને ગાઝા તથા હવે અમેરિકાના સંઘર્ષ વચ્ચે ગયા વર્ષે પાકિસ્તાન સામે ચાર દિવસના ઘર્ષણ અને ચીન સામેના પડકારોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ૨૦૨૬-૨૭ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે રૂ. ૭.૮૫ લાખ કરોડની ફાળવણી કરી છે, જે ગયા વર્ષના રૂ. ૬.૮૧ લાખ કરોડ કરતાં ૧૫ ટકા વધુ છે. કેન્દ્ર સરકાર સૈન્યના આધુનીકિકરણ માટે રૂ. ૨.૧૯ લાખ કરોડ આપશે, જે ગયા વર્ષના ૧.૮૦ લાખ કરોડ કરતાં ૨૨ ટકાનો વધારો દર્શાવે છે.

ગયા વર્ષે પાકિસ્તાન સામે ચાર દિવસના ઘર્ષણમાં ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાની પૃષ્ઠભૂમિમાં સંરક્ષણ મંત્રાલય હાલ ફાઈટર વિમાન, સબમરીન અને અત્યાધુનિક ડ્રોન જેવા મોટા સંરક્ષણ સોદાની પ્રક્રિયા કરી રહ્યું છે. આવા સમયે સંરક્ષણના બજેટમાં વધારો કરાયો છે. આ સિવાય સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓના પેન્શન માટે રૂ. ૧.૭૧ કરોડ સહિત મહેસૂલ ખર્ચ રૂ. ૫.૫૩ લાખ કરોડ રખાયો છે.

સંરક્ષણ માટે ફાળવણીમાંથી કુલ રૂ. ૭.૮૫ લાખ કરોડના બજેટમાંથી રૂ. ૨.૧૯ લાખ કરોડ સૈન્યના આધુનિકીકરણ માટે ફાળવાશે. આ રકમનો ઉપયોગ અત્યાધુનિક હથિયારોની ખરીદી, નવી ટેક્નોલોજી અપનાવવા, સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આર્મી, નેવી તથા એરફોર્સની ક્ષમતાઓ મજબૂત કરવા માટે કરાશે. સંરક્ષણ ક્ષેત્રે બજેટમાં વધારો આત્મનિર્ભર ભારતની દિશામાં સરકારના સતત પ્રયાસો દર્શાવે છે. તેનો આશય ત્રણેય સૈન્યને મજબૂત કરવા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તેમને વધુ સારી રીતે સજ્જ કરવાનો છે. 

આ વર્ષે સંરક્ષણ બજેટમાં મૂડી ખર્ચ તરીકે ફાળવાયેલા ૨.૧૯ લાખ કરોડ ૨૦૨૫-૨૬ના બજેટ અંદાજો કરતાં ૨૧.૮૪ ટકા વધુ છે. જેમાં મૂડી ખર્ચ હેઠળ રૂ. ૬૩,૭૩૩ કરોડ વિમાનો અને એરો એન્જિન્સની ખરીદી જ્યારે રૂ. ૨૫,૦૨૩ કરોડ નેવી કાફલા માટે ફાળવવામાં આવ્યા છે.

દુનિયામાં સંરક્ષણ માટે જંગી ખર્ચ કરતા દેશોમાં ભારત હજુ ટોચના દેશોમાં સામેલ છે. ચીને ૨૦૨૫-૨૬ માટે ૨૪૯ અબજ ડોલરનું સંરક્ષણ બજેટ જાહેર કર્યું છે, જે અગાઉના વર્ષથી ૭.૨ ટકા વધુ છે. અમેરિકા સંરક્ષણ માટે સૌથી વધુ ખર્ચ કરનારો દેશ છે, જેનું સંરક્ષણ બજેટ ૮૯૫ અબજ ડોલર છે.

- સંરક્ષણમાં ફાળવણી

- રૂ.૭.૮૫ લાખ કરોડ : કુલ ફાળવણી

- રૂ. ૨.૧૯ લાખ કરોડ : સૈન્યના આધુનીકિકરણ માટે ખર્ચ

- રૂ. ૩.૬૫ લાખ કરોડ : પગાર અને ઓપરેશનલ તૈયારી

- રૂ. ૨૮,૫૫૪ કરોડ : સિવિલ ડિફેન્સ અને અન્ય

- રૂ. ૧૨,૧૦૦ કરોડ : એક્સ સર્વિસમેન કન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ