અમેરિકાએ 8 યુદ્ધ જહાજો તહેનાત કરતા વેનેઝુએલા ભડક્યું, સરહદે 15000 સૈનિકો તહેનાત દીધા, સેનામાં મોટાપાયે ભરતી શરૂ કરી
America-Venezuela Controversy : દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાએ પોતાની સરહદ પર ભારે સંખ્યામાં સૈનિકો તહેનાત કરી દીધા છે અને દેશભરના યુવાનોને મિલિશિયા એટલે કે સેનામાં સામેલ કરવા માટે ધડાધડ કામગીરી શરૂ કરી દીધી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સોમવારે ચેતવણી આપી કે, જો કેરેબિયન સમુદ્રમાં અમેરિકન સેના અમારા દેશ પર હુમલો કરશે તો અમે પણ વળતો જવાબ આપીશું. વાસ્તવમાં અમેરિકાએ વેનેઝુએલાની નજીક સમુદ્રમાં આઠ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે, જેના કારણે વેનેઝુએલાએ પણ વળતાજવાબમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સાથે વેનેઝુલાએ સરહદ પર 15000 સૈનિકો તહેનાત કરી દીધા છે.
અમેરિકાએ વેનેઝુએલા સીમા પાસે 8 યુદ્ધ જહાજ તહેનાત કર્યા
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Venezuelan President Nicolas Maduro)એ દાવો કર્યો છે કે, ‘અમેરિકાએ 1200 મિસાઈલો ભરેલા આઠ યુદ્ધ જહાજો તેમના દેશની સીમા પાસે તહેનાત કર્યા છે, જે સંપૂર્ણપણે અપરાધિક કૃત્ય છે. અમેરિકાની આ કાર્યવાહી અમારા દેશ માટે સૌથી મોટો ખતરો છે. આ સૈન્ય સ્થિતિને જોતાં અમે અમારા દેશના સંરક્ષણ માટે મોટાભાગની તૈયારી કરવાની જાહેરાત કરી છે.’
બંને દેશો વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ
રિપોર્ટ મુજબ અમેરિકન સેનાના 2000 નેવી જવાનો સહિત 4500 જવાનો તહેનાત કર્યા છે. મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવાયું છે કે, જો અમેરિકન યુદ્ધ જહાજો ક્ષેત્રમાં પ્રવેશ કરશે તો આ સપ્તાહની અંદર બંને દેશો વચ્ચે સ્થિતિ વણસી શકે છે.
વેનેઝુએલા પર હુમલો કરવાની કોઈ યોજના નથી : અમેરિકા
મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અમેરિકાએ ડ્રગ કાર્ટેલ પર નિયંત્રણ મેળવાવ માટે કાર્યવાહી કરી છે અને આ માટે અમે સમુદ્રમાં યુદ્ધ જહાજો તહેનાત કરવાની સાથે હજારો સૈનિકો પણ તહેનાત કરી દીધા છે. તેણે વેનેઝુએલા પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી નથી. જોકે તેમ છતાં વેનેઝુએલા સરકારે કોલંબિયા દરિયાકાંઠે અને સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કરી દીધા છે અને યુવાઓને સેનામાં સામેલ કરવાની પૂરજોશમાં પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
વેનેઝુએલાના રાજકારણમાં અમેરિકાની ચંચુપાત
બંને દેશો વચ્ચે દાયકાઓથી સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. વૉશિંગ્ટન 2019થી જ વેનેઝુએલાના વિપક્ષી નેતા જુઆન ગુએદોને સમર્થન આપી રહ્યું છે અને વર્તમાન રાષ્ટ્રપતિ માદુરોના ચૂંટણી પરિણામોને માન્યતા આપવાનો ઈનકાર કરતું રહ્યું છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, તે ડ્રગ કાર્ટેલને અંકુશમાં લાવવા માટે દરિયાઈ સુરક્ષા વધારી રહ્યું છે. જોકે માદુરોને લાગે છે કે, અમેરિકા તેની સરકારને ઉથલાવી દેવા માટે હુમલો કરવા માંગે છે.