શું છે શી જિનપિંગની GGI ફોર્મ્યુલા? જેના કારણે અમેરિકાનું વધ્યું ટેન્શન, ભારત અને રશિયા રાજી
Image: IANS |
Xi Jinping GGI Formula: ચીની પ્રમુખ શી જિનપિંગે શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકને સંબોધિત કરતાં ગ્લોબલ ગવર્નન્સ ઇનિશિએટિવ(GGI)નો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે, 'દુનિયામાં બહુપક્ષીય વ્યવસ્થા હોવી જોઈએ અને કોઈ એક દેશને જ સર્વશક્તિમાન માનવું ખોટું છે.' જિનપિંગના આ નિવેદન પર રશિયાના પ્રમુખે તાત્કાલિક સંમતિ વ્યક્ત કરી હતી. આ સિવાય ભારતે પણ આ આ મુદ્દે સંમતિ વ્યક્ત કરી છે. કારણ કે, લાંબા સમયથી વડાપ્રધાન મોદી પણ એવું કહે છે કે, વૈશ્વિક સંબંધો સમાનતાના આધારે નક્કી થવા જોઈએ. શી જનપિંગની આ ફોર્મ્યુલા સીધી રીતે અમેરિકા માટે ખુલ્લો પડકાર છે, જે હાલ તમામ દેશો પર ટેરિફ લગાવી રહ્યો છે.
શી જિનપિંગનો પ્રસ્તાવ
એકબાજુ અમેરિકાએ સૌથી વધુ ટેરિફ ભારત પર લગાવ્યો છે. એવામાં શી જિનપિંગનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, 'હું તમારા બધા લોકો સામે Global Governance Initiativeનો પ્રસ્તાવ મૂકુ છું. હું તમામ દેશો સાથે કામ કરવા માટે તત્પર છું. આ સંબંધ સમાનતાના આધારે અને માનવ સભ્યતાને સહભાગી ભવિષ્યના નિર્માણ માટે સહયોગની ભાવના પર આધારિત હોય. ગ્લોબલ સાઉથ માટે આ જરૂરી છે. આ વિઝન વૈશ્વિક સુરક્ષા અને આર્થિક વ્યવસ્થા માટે મહત્ત્વનું છે.'
શી જિનપિંગે વધુમાં કહ્યું કે, 'સૌથી પહેલાં આપણે સમાનતાના આધારે વાત કરવી જોઈએ. આપણે એ માનવું પડશે કે, ક્ષેત્રફળ, ક્ષમતા, સંપત્તિથી ઉપર ઉઠીને તમામ દેશો એક સમાન છે. તમામને ગ્લોબલ ગવર્નન્સમાં નિર્ણય લેવાની તક મળે તો તે લાભાર્થીના રૂપે સમાન હોવા જોઈએ. આપણે વૈશ્વિક સંબંધોમાં વધુ લોકતાંત્રિક વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવી જોઈએ. આ સિવાય વિકાસશીલ દેશોને પણ સામેલ કરવા જોઈએ. આપણે તમામ આંતરરાષ્ટ્રીય નિયમોથી બંધાયેલા છે, પરંતુ તેનો યોગ્ય રૂપે અને યુએન ચાર્ટર અનુસાર પાલન થવું જોઈએ.'
ભારત પર અમેરિકાના મોટા ટેરિફ વચ્ચે શીનો પ્રસ્તાવ
આ વિશે વધુ વાત કરતાં શી જિનપિંગે કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય નિયમોને તમામ જગ્યાએ એક સમાન રીતે લાગુ કરવા જોઈએ. જેમાં અનેક બેવડા માપદંડ ન હોવા જોઈએ. જેમ અમુક દેશ પોતાની જ રીતે નિયમોને ચલાવે છે અને બીજા દેશો પર થોપવાનો પ્રયાસ કરે છે. ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, આપણે બધા લોકોએ બહુપક્ષીય વ્યવસ્થાની વાત કરવી જોઈએ. આપણે સાથે મળીને વૈશ્વિક વ્યવસ્થાની વાત કરવી જોઈએ.'
આ પણ વાંચોઃ ભારત સાથે દાંડાઈ ભારે પડી! પાકિસ્તાનના 'મિત્ર' દેશની SCO સમિટમાં જબરદસ્ત ફજેતી
શી જિનપિંગના પ્રસ્તાવ પર પુતિનની સંમતિ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તરફથી તો શી જિનપિંગના આ પ્રસ્તાવ પર જવાબ પણ આવી ગયો છે. તેમણે કહ્યું કે, 'અમે શી જિનપિંગની આ વાતથી સંમત છીએ કે, એક સમાનતા આધારિત વ્યવસ્થા હોવી જોઈએ. આ વાતે એવા સમયે મહત્ત્વની છે, જ્યારે અમુક દેશ પોતાની જ વસ્તુઓ થોપવામાં લાગ્યા છે. ચીનના આ પ્રસ્તાવનું સમર્થન કરીએ છીએ, અમે ખુલીને સાથે છીએ.'
શી જિનપિંગની આ થિયરી ભારત સહિત અનેક દેશોને સંમત કરનારી છે. પરંતુ, અમેરિકાએ આ મુદ્દે જરૂરથી ચિંતા થશે, જે ઇચ્છે છે કે, તેમના ટેરિફ આગળ તમામ દેશ તેમના મનસ્વી કરારને બંધાયેલા રહે. એક બાજુ ભારત, ચીન અને રશિયા ખુલીને અમેરિકાનું નામ નથી લઈ રહ્યા પરંતુ વાત બધી તેને લઈને જ કહેવામાં આવી રહી છે.