મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ
Mexico Parasite Case : મેક્સિકોમાં મનુષ્યો અને પ્રાણીઓના જીવ લેતા પેરાસાઈટના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. મેક્સિકો સરકારના ડેટા મુજબ, 17 ઓગસ્ટ સુધીમાં માંસ ખાતા પેરાસાઈટ એટલે કે સ્કૂવર્મ (flesh-eating screwworm)ના પ્રાણીઓમાં 5086 કેસ નોંધાયા છે, જે જુલાઈના આંકડા કરતા 53 ટકા વધુ છે. આમાંથી અત્યાર સુધીમાં કુલ 649 કેસો હજુ સક્રિય છે. નિષ્ણાતોના મતે, ગરમીના સમયમાં આટલો મોટો વધારો ચિંતાજનક છે, કારણ કે તે દર્શાવે છે કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. આ કીડાના સૌથી વધુ કેસો ગાયોમાં પછી શ્વાન, ઘોડા અને ઘેટાંમાં ફેલાઈ રહ્યા છે.
સ્ક્રૂવર્મ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?
પરજીવી ગણાતા સ્કૂવર્મ કીડાનું વૈજ્ઞાનિક નામ ન્યુ વર્લ્ડ સ્કૂવર્મ છે. આ કીડા ગરમ લોહીવાળા પ્રાણીઓમાં લોહી નીકળી જગ્યામાં સેંકડો ઈંડા મૂકે છે. જ્યારે આ ઈંડામાંથી લાર્વા (કીડા) બહાર આવે છે, ત્યારે તેઓ મોંથી માંસમાં ઊંડે સુધી ઘૂસી જાય છે, પછી માંસ ખાવાનું ચાલુ રાખે છે, જેના કારણે લોહી નીકળતો ઘા મોટો થતો જાય છે. જો સમયસર સારવાર ન મળે તો પ્રાણી કે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.
અમેરિકાના અનેક રાજ્યોમાં રોગચાળો ફેલાવાનું સંકટ
આ રોગચાળો 2023માં મધ્ય અમેરિકા (પનામા, કોસ્ટા રિકા, હોન્ડુરાસ, ગ્વાટેમાલા વગેરે)થી શરૂ થયો અને હવે તે મેક્સિકો થઈને અમેરિકાની સરહદ સુધી ફેલાઈ રહ્યો છે. મોટાભાગના કેસ ગાયોમાં જોવા મળ્યા છે, પરંતુ કૂતરા, ઘોડા અને ઘેટાં પણ સંક્રમિત થયા છે. આ રોગચાળાના કારણે મેક્સિકોને ગયા વર્ષે 1.3 અબજ ડોલરનું નુકસાન થયું હતું, જેમાં મુખ્યત્વે પશુઓની નિકાસ બંધ થઈ ગઈ હતી. જો આ રોગ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ફેલાશે તો 1.8 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે.
ચિયાપાસમાં 41 વ્યક્તિઓ સંક્રમિત
આ ચેપ મનુષ્યોમાં દુર્લભ છે, પરંતુ ઘાતક સાબિત થઈ શકે છે. મેક્સિકોના દક્ષિણી ચિયાપાસ રાજ્યમાં 41 વ્યક્તિઓ આ સંક્રમિત થયા છે. અમેરિકામાં પણ 4 ઓગસ્ટે અલ સાલ્વાડોરથી પરત ફરેલા એક વ્યક્તિમાં પહેલો કેસ નોંધાયો છે.
રોગચાળાને અટકાવવા માટે જૂની પદ્ધતિનો ઉપયોગ
તેને ફેલાતો અટકાવવા માટે જૂની અસરકારક પદ્ધતિ સ્ટેરાઈલ ઈન્સેક્ટ ટેકનિક (SIT)નો ઉપયોગ થઈ રહ્યો છે. પદ્ધતિ મુજબ, ઈંડામાંથી કીડા પેદા ન થાય તે માટે નર માખીઓને વિકિરણ દ્વારા વાંઝણી બનાવીને જંગલી માદાઓ સાથે છોડવામાં આવે છે. આ નિવારણ માટે મેક્સિકોમાં 51 મિલિયન ડોલરના ખર્ચે એક સુવિધા ઊભી કરવામાં આવી રહી છે.
કીડાને ફેલાતો અટકાવવા વાંઝણી માખીઓનું ઉત્પાદન જરૂરી
આ સંકટનો સામનો કરાવ માટે મેક્સિકો અને અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યા છે. અમેરિકન કૃષિ વિભાગ (USDA) એ પનામામાં બાયોલોજીકલ બેરિયરને મજબૂત કર્યું છે અને સરહદ પર ફસાયેલી જાળ ગોઠવી છે. ટેક્સાસમાં પણ ‘સ્ટેરાઈલ’ પદ્ધતિ ઉભી કરવાની યોજના બનાવાઈ છે, જેમાં 2-3 વર્ષ લાગી શકે છે. આ કીડાઓને ફેલાતા અટકાવવા માટે દર અઠવાડિયે 500 મિલિયન વાંઝણી માખીઓનું ઉત્પાદન કરવું જરૂરી છે.
આ પણ વાંચો : ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન