Get The App

ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
Australia Supports India on US Tariffs


Australia Supports India on US Tariffs: અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવીને ટ્રેડ વોરની શરુઆત કરી છે. એવામાં ઑસ્ટ્રેલિયાએ ભારતને સમર્થન આપ્યું છે. ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે, 'અમે ભારતને ગાઢ, મજબૂત અને વિશ્વાસપાત્ર ભાગીદાર માનીએ છીએ. ઑસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વૉંગએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારી સરકાર ટેરિફનું સમર્થન કરતી નથી અને ઓપન માર્કેટમાં જ બધાનો વિકાસ શક્ય છે.

પેની વૉંગનું ઓપન માર્કેટને સમર્થન 

જોકે વૉંગે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં લગાવાયેલા ટૅરિફ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું. તેમણે કહ્યું, 'અમે ઓપન માર્કેટમાં વિશ્વાસ રાખીએ છીએ. ઑસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા એટલા માટે આગળ વધી શકી કારણ કે અમે વિશ્વ સાથે વેપાર કર્યો છે. આ જ અમારી નીતિ છે અને અમે ઇચ્છીએ છીએ કે આ વિચાર આગળ પણ જળવાઈ રહે.'

ક્વાડ: માત્ર ગઠબંધન નહીં, સહિયારા ઉદ્દેશોનું પ્રતીક

આ સાથે જ પેની વૉંગે એ પણ સ્પષ્ટ કર્યું કે, 'ક્વાડ(Quad) - ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાનનું ગઠબંધન માત્ર નામનું નથી પણ સહિયારા ઉદ્દેશો પર આધારિત છે. અમે ક્વાડના મજબૂત સમર્થક છીએ. દ્વિપક્ષીય સંબંધોમાં ચડાવ-ઉતાર આવતા રહે, પણ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણા સહિયારા લક્ષ્યો એક શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ વિસ્તાર છે.'

ભારત-ચીન સંબંધો પર ઑસ્ટ્રેલિયાનું સંતુલિત વલણ

ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે તે વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, 'ચીન એક મોટી શક્તિ છે અને તે એક મોટી શક્તિની જેમ પોતાના હિતો જોઈ રહ્યું છે. અમુક બાબતો પર ઑસ્ટ્રેલિયા સહમત થશે, અમુક પર નહીં. પરંતુ પરિપક્વ સંબંધ એ જ છે કે આપણે સહકાર પણ કરીએ અને અસહમતિ પણ વ્યક્ત કરીએ.'

આ પણ વાંચો: ટ્રમ્પ-પુતિનને મોટો ઝટકો, ચીને પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા-રશિયા સાથે વાતચીતનો કર્યો ઈનકાર

ઑસ્ટ્રેલિયન મંત્રીએ એ પણ જણાવ્યું કે તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે સૌથી વધુ મુલાકાતો કરી છે. તેમણે કહ્યું, 'આ અમારી પ્રાથમિકતા દર્શાવે છે. આપણે એવા સમયમાં છીએ જ્યાં વૈશ્વિક અને પ્રાદેશિક વ્યવસ્થા બદલાઈ રહી છે. આવા સમયે ભારત અને ઑસ્ટ્રેલિયાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે અને અમે સાથે મળીને તેને આકાર આપવા માંગીએ છીએ.'

ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન 2 - image
Tags :