મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણય સામે મરાઠા આંદોલનકારી ભડક્યાં, અજિત પવાર અને ફડણવીસને ચેતવણી
Maharashtra Mahayuti Government: છગન ભુજબળ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સામેલ થતા મરાઠા અનામત આંદોલનનો અવાજ બનેલા મનોજ જરંગે પાટીલે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પાટીલે એનસીપીના વડા અને રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય મંત્રી અજિત પવારને ચેતવણી આપી છે કે તેમને પરિણામ ભોગવવા પડશે. આ સાથે જ તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ પ્રહારો કર્યા છે. છગન ભુજબળ અજિત પવારના નજીકના છે અને તેમને ધનંજય મુંડેના સ્થાને રાજ્ય સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.
અજિત પવારે મોટી ભૂલ કરી: મનોજ જરંગે પાટીલ
મનોજ જરંગે પાટીલે કહ્યું, 'છગન ભુજબળને મંત્રી બનાવવા જોઈએ કે નહીં તે એનસીપીનો આંતરિક મામલો છે પરંતુ પવારે મોટી ભૂલ કરી છે. અજિત પવાર જાતિવાદી નેતાઓને ટેકો આપી રહ્યા છે. તેમણે પોતાની ભૂલની કિંમત ચૂકવવી પડશે. અજિત પવારે મરાઠા અનામતનો વિરોધ કરનારા નેતાને મંત્રી પદ આપ્યું છે. ભુજબળ મંત્રી બને તો અમને કોઈ ફરક પડતો નથી.'
પાટીલે દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યું.
પાટીલે દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધતા કહ્યું કે, 'ફડણવીસે મરાઠા સમુદાયને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પહેલા ફડણવીસે એકનાથ શિંદેને મંત્રીમંડળમાં સામેલ કર્યા અને હવે તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. ફડણવીસ પોતાના ફાયદા માટે લોકોનો ઉપયોગ કરે છે અને બાદમાં તેમને ફેંકી દે છે.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, મુંબઈ-પૂણે સહિત અનેક જગ્યાએ વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
મરાઠા અને ઓબીસી સમુદાય વચ્ચે રાજકીય તણાવ
છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠા અનામત એક મોટો મુદ્દો રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. મરાઠા સમુદાય માટે અનામતની માંગ ઉગ્ર બન્યા બાદ મરાઠા અને ઓબીસી સમુદાયો આમને-સામને આવી ગયા હતા. મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણીમાં, ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનને મરાઠા સમુદાયના પ્રભુત્વવાળી બેઠકો પર રાજકીય નુકસાન સહન કરવું પડ્યું.