મહારાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, મુંબઈ-પૂણે સહિત અનેક જગ્યાએ વરસાદ, હવામાન વિભાગનું ઍલર્ટ
Maharashtra Rain: કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. વરસાદના કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તળાવમાં ફેરવાઈ રહ્યા છે. વરસાદનો કહેર હજુ અટક્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 21થી 24 મે દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા
મંગળવારે સાંજે મુંબઈના ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો. જેના કારણે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ પણ સામે આવી છે. હાલ સતત વરસાદના કારણે મુંબઈ, પૂણે અને થાણેની હાલત ખરાબ છે. શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે, ટ્રાફિક જામ પણ થયો હતો તેમજ ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો પણ રોકવામાં આવી હતી.
વરસાદના કારણે મુંબઈમાં ટ્રાફિક જામ, ઑરેન્જ ઍલર્ટ
મુંબઈમાં વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેમજ હજુ પણ વરસાદનો કહેર અટક્યો નથી. IMDએ બુધવાર માટે રત્નાગીરી, સિંધુદુર્ગ, અહિલ્યાનગર, કોલ્હાપુર, બીડ, સોલાપુર, ધારાશિવ અને છત્રપતિ સંભાજીનગરમાં વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
તેમજ મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, ધુલે, નંદુરબાર, જલગાંવ, નાસિક, પૂણે, સતારા, સાંગલી, જાલના, અમરાવતી, ભંડારા જિલ્લામાં યલો ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંગળવારે રાત્રે મુંબઈમાં સતત વરસાદ બાદ બુધવારે સવારે વરસાદ બંધ થઈ ગયો છે, જોકે આકાશ હજુ પણ વાદળછાયું છે. વાદળો ગમે ત્યારે વરસાદ વરસાવી શકે છે.
પૂણે એરપોર્ટની બહાર પાણી ભરાયા
સોમવારે માત્ર એક કલાકના ભારે વરસાદને કારણે પૂણેની હાલત ખરાબ થઈ ગઈ. મંગળવારે પણ વરસાદ ચાલુ રહ્યો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પૂણે ઇન્ટરનેશનલ ઍરપોર્ટની બહાર પાણી ભરાઈ ગયા, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો.