Ajit Pawar Plane Crash News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત અત્યંત ભયાનક હતો.
લેન્ડિંગ પહેલા ગુમાવ્યું નિયંત્રણ
બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મુંબઈથી બારામતી ચાર જાહેર સભાઓને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિમાન જ્યારે બારામતી ઍરપોર્ટ પર લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું ત્યારે અચાનક તે લથડાયું હતું. રનવે એટલે કે હવાઈ પટ્ટીથી આશરે 3 કિલોમીટર પહેલા જ પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને વિમાન ઍરપોર્ટના બદલે નજીકના ખેતરોમાં ખાબક્યું હતું.
ધડાકા અને આગનું તાંડવ
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે વિમાન 200 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યું હતું. જમીન પર પડતાંની સાથે જ વિમાનમાં એક પછી એક 5 જોરદાર ધડાકા થયા હતા અને આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક લોકો તરત જ ડોલ અને પાણી લઈને મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ આગ એટલી ભીષણ હતી કે વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
તપાસ અને રાહત કામગીરી
બારામતીના એસપી (ગ્રામીણ) સંદીપ સિંહે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થયા બાદ અત્યાર સુધીમાં 5 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે રાહત કામગીરીમાં લાગેલી છે. અજિત પવાર જે વિમાનમાં સવાર હતા તે Learjet 45XR હતું, જે હાઇ-સ્પીડ બિઝનેસ જેટ માનવામાં આવે છે. પ્લેન ક્રેશનું સાચું કારણ શું છે તેની તપાસ અત્યારે પોલીસ અને એવિએશન એક્સપર્ટ્સ કરી રહ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ તેમની પત્ની સુનેત્રા પવાર અને બહેન સુપ્રિયા સુલે દિલ્હીથી બારામતી જવા રવાના થયા છે.


