Ajit Pawar Plane Crash Report : મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી એરપોર્ટ પાસે 28 જાન્યુઆરીએ એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના નિધન થયા હતા. હવે આ પ્લેન દુર્ઘટનાની તપાસ ઝડપી બનાવવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મહારાષ્ટ્ર સરકાર પાસે સહયોગ માંગ્યો છે.
ઉડ્ડયન મંત્રીએ મુખ્યમંત્રી ફડણવીસને લખ્યો પત્ર
દુર્ઘટનાના એક દિવસ બાદ રામમોહન નાયડુએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તપાસમાં મદદ કરવા માટે સહયોગ માંગ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, અકસ્માત સ્થળ સુધી પહોંચવા, સ્થાનિક વહીવટી મદદ અને સ્થાનિક એજન્સીઓ સાથેના તાલમેલ માટે રાજ્ય સરકારનો સહકાર માંગ્યો છે. નાયડુએ ખાતરી આપી છે કે, તપાસના જે પણ પરિણામો આવશે તે રાજ્ય સરકાર સાથે ચોક્કસપણે શેર કરવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસે તપાસ માટે આગ્રહ કર્યો હતો
આ પહેલા ફડણવીસે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી હતી કે, આ અકસ્માતનું સચોટ કારણ જાણવા માટે વિગતવાર તપાસના આદેશ આપવામાં આવે. તેમણે ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવા પર કહ્યું હતું. કેન્દ્રીય મંત્રી નાયડુએ આ વિનંતીને ધ્યાને લેતા જણાવ્યું કે, તપાસના નિષ્કર્ષોના આધારે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને ડીજીસીએ (DGCA) દ્વારા જરૂરી સુરક્ષા ભલામણો અને નિયમનકારી પગલાં લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો : ચાંદીની કિંમતમાં રેકોર્ડ વધારો, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો
બુધવારે પ્લેન ક્રેશ થયું હતું, અજિત સહિત પાંચના નિધન
ઉલ્લેખનીય છે કે, બુધવારે (28 જાન્યુઆરી) અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું હતું. આ કરુણ દુર્ઘટનામાં અજિત સહિત પાંચ લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) હાલ આ અકસ્માતની ફોરેન્સિક તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, ખરાબ વિઝિબિલિટીને કારણે પાયલોટને મુશ્કેલી પડી હતી. પોલીસ દ્વારા અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ અને વિમાનમાં તેમની બેસવાની ખાસ સ્થિતિ પરથી કરવામાં આવી હતી. આ ઘટનામાં પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શાંભવી પાઠક સહિત સ્ટાફના સભ્યોએ પણ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો : ‘વહિની’ મહારાષ્ટ્રના નાયબ CM બનશે ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત


