એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનાના નવા વડા: 3300 કલાકથી વધુ ઉડાનનો અનુભવ, શાનદાર કારકિર્દી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air Marshal Ashutosh Dixit : ભારતીય વાયુસેના(IAF)ની કમાન હવે ફાઇટર પાઇલટ એર માર્શલ આશુતોષ દીક્ષિતના હાથમાં સોંપવામાં આવી છે. તેઓ વાયુસેનાના નવા એર ચીફ માર્શલ તરીકે નિમણૂક પામ્યા છે. હાલમાં તેઓ વાયુસેનાના 51મા વાઇસ ચીફ ઑફ એર સ્ટાફ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે પદ તેમણે 1 જુલાઈ 2026ના રોજ સંભાળ્યું હતું. તેઓ આગામી 31 ઑક્ટોબરે સત્તાવાર રીતે વાયુસેના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે.
3300 કલાકથી વધુ ઉડાનનો અનુભવ અને શાનદાર કારકિર્દી
એર માર્શલ આશુતોષ દીક્ષિત 6 ડિસેમ્બર 1986ના રોજ વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજ (બાંગ્લાદેશ) અને નેશનલ ડિફેન્સ કૉલેજ(નવી દિલ્હી)ના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે. એક અત્યંત કુશળ ફાઇટર પાઇલટ તરીકે જાણીતા દીક્ષિત પાસે 20થી વધુ પ્રકારના વિમાનો પર 3,300 કલાકથી પણ વધુ સમય ઉડાન ભરવાનો બહોળો અનુભવ છે. જેમાં મિરાજ-2000, મિગ-21, જગુઆર, એન-32 અને હોક જેવા વિમાનોનો સમાવેશ થાય છે. તેઓ એક લાયકાત ધરાવતા ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઇલટ પણ છે.

સ્વદેશી વિમાન વિકાસ અને મુખ્ય લશ્કરી હોદ્દાઓ પર યોગદાન
પોતાની કારકિર્દી દરમિયાન તેમણે ચીફ ઑફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (CISC), એર ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (સેન્ટ્રલ એર કમાન્ડ) અને ડેપ્યુટી ચીફ ઑફ ધ એર સ્ટાફ જેવા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. એક ટેસ્ટ પાઇલટ તરીકે તેમણે જગુઆર અને મિગ-27ના એવિઓનિક્સ અપગ્રેડેશન સહિત ભારતના અનેક સ્વદેશી વિમાન વિકાસ પ્રોજેક્ટ્સમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, 'ડિરેક્ટર ઑફ એર સ્ટાફ રિક્વાયરમેન્ટ્સ' તરીકે તેમણે મીડિયમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) ટ્રાયલ્સના આયોજન અને સંચાલનમાં મુખ્ય યોગદાન આપ્યું હતું.
કારગિલ યુદ્ધ અને પ્રમુખ સૈન્ય અભિયાનોમાં સક્રિય ભૂમિકા
તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ચલાવવામાં આવેલા 'ઓપરેશન સફેદ સાગર' અને 'ઓપરેશન રક્ષક' જેવા મહત્વપૂર્ણ સૈન્ય અભિયાનોમાં સીધો ભાગ લીધો હતો. તેમની અપ્રતિમ અને ઉત્કૃષ્ટ સેવા બદલ તેમને રાષ્ટ્રપતિ દ્વારા અનેક પ્રતિષ્ઠિત મેડલથી નવાજવામાં આવ્યા છે…
- પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM) - 2026
- અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) - 2023
- વાયુસેના મેડલ (VM) - 2006
- વિશિષ્ટ સેવા મેડલ (VSM) - 2011
એર માર્શલ આશુતોષ દીક્ષિતનો લાંબો અનુભવ તેમજ સ્વદેશી વિમાન ઉત્પાદનમાં તેમનું યોગદાન ભારતીય વાયુસેનાના આધુનિકીકરણ અને 'આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને વધુ મજબૂત બનાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.




