Air India Flight Crash in Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પાસે ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. આ ભયાનક વિમાન અકસ્માતથી દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ઘઈ છે. આ ઘટનામાં રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અરાબા ગામમાં રહેતી 21 વર્ષીય નવી નવેલી દુલ્હન ખુશબૂનું પણ મોત થયું છે.
પહેલીવાર પતિ પાસે જઈ રહી હતી નવી નવેલી દુલ્હન ખુશબૂ
ખૂશબૂ પિતા મદદ સિંહ અને પિતરાઈ ભાઈ સાથે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. તે અહીંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171થી લંડન જવાના રવાના થઈ હતી, જોકે ફ્લાઈટ ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ અને તે જ સમયે ખુશબૂની જિંદગીનો અંતિમ સમય બની ગયો.
ખુશબુના પિતા પુત્રીને મુકવા માટે એરપોર્ટ આવ્યા હતા અને અહીં તેમણે ભાવુક તસવીર પણ પાડી હતી, ત્યારબાદ તે તસવીર તેમણે વોટ્સએપ સ્ટેટસમાં લગાવી હતી. તેમણે લખ્યું હતું કે, ‘આશીર્વાદ દિકરી ખુશ્બુ, ગોઈંગ ટૂ લંડન.’ પુત્રી ફ્લાઈટમાં બેસી ગયા બાદ પિતા અને પિતરાઈ ભાઈ ગામડે જવા નીકળ્યા અને તુરંત ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર સાંભળતા તેઓ સ્તબ્દ થઈ ગયા હતા.
18 જાન્યુઆરીએ કર્યા હતા લગ્ન
ખુશબૂના જોધપુર જિલ્લાના લૂણી ખારાબેરા ગામમાં રહેતા ડૉક્ટર વિપુલ સાથે લગ્ન થયા હતા. બંને દંપત્તીએ 18 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. વિપુલ લંડનમાં પ્રેક્ટિસ કરે છે. લગ્ન બાદ વિપુલ લંડન ગયા હતા અને ખુશબુ થોડા મહિનાઓ સુધી પિયર અને સાસરામાં રહેતી હતી. તે લંડનમાં રહેતા પતિ પાસે જવા અમદાવાદ-લંડનની ફ્લાઈટમાં બેઠી હતી, તેનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હતો.
તેણીના પરિવારજનોએ કહ્યું કે, ‘જ્યારે ખુશબુ લંડન જવા માટે રવાના થઈ, ત્યારે તેની આંખોમાં આંસુ હતા, તે માતાને ગળે મળીને ચોધાર આસુંએ રડતી હતી. ગામમાં મિઠાઈની દુકાન ચલાવતા અને ખેતીનું કામ કરતા મદન સિંહને ત્રણ પુત્રી અને એક પુત્ર છે, જેમાંથી ખૂશબુ સૌથી મોટી દીકરી હતી. ખુશબૂના મોત બાદ આખા ગામ શોકાતુર બની ગયો છે.


