એર ઇન્ડિયા એક્સપ્રેસના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખામી, થાઇલૅન્ડ જતી ફ્લાઇટ હૈદરાબાદ પરત ફરી
Air India Express: થાઇલૅન્ડ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે શનિવારે ટેક-ઑફ થયાના થોડા સમય પછી જ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પરત ફરી હતી. ફ્લાઇટ પહેલા સવારે 11.45 વાગ્યે થાઇલૅન્ડના કુકેટ ઉતરવાની હતી. બોઇંગ 737 મેક્સ 8 દ્વારા સંચાલિત ફ્લાઇટ IX110 તેના ગંતવ્ય સ્થાન માટે ઉડાન ભરી હતી, પરંતુ માત્ર 16 મિનિટ ઉડાન ભર્યા પછી હૈદરાબાદ પરત ફરવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરો નિરાશ થયા હતા.
આ પણ વાંચો: બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ટેક-ઑફ થયાના થોડા સમય પછી અમારી એક ફ્લાઇટના ક્રૂએ ખૂબ કાળજી લીધી અને ટેકનિકલ ખામીને કારણે હૈદરાબાદ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી છે
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, 'અમે પ્રાથમિકતાના આધાર પર વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી છે. વિલંબ દરમિયાન મહેમાનોને પાણી અને ચા-નાસ્તો આપવામાં આવ્યો અને ફ્લાઇટ રવાના થઈ. વધુમાં મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ, અમારા સંચાલનના દરેક પાસામાં સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.'
એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ સંદેશાવ્યવહાર નહીં
મુસાફરોએ સોશિયલ મીડિયા પર તેમને પડેલી મુશ્કેલીનો અનુભવ શેર કરીને કહ્યું કે, 'એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ સંદેશાવ્યવહાર વિના તેમને વિમાનની અંદર રાહ જોવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
એક અસરગ્રસ્ત મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. 'નિરાશાજનક, હૈદરાબાદથી થાઇલૅન્ડના ફુકેટ જતી ફ્લાઇટ IX110 ટેકઑફ પછી પાછી આવી. હજુ સુધી કોઈ અપડેટ નથી, અમે પ્લેનની અંદર રાહ જોઈ રહ્યા છીએ.'