Get The App

એર ઈન્ડિયા એક્સપ્રેસની ગંભીર ભૂલ, ફ્લાઈટ એન્જિનના જરૂરી પાર્ટ્સ જ ન બદલ્યા, DGCAની કાર્યવાહી

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
એર ઈન્ડિયા એક્સપ્રેસની ગંભીર ભૂલ, ફ્લાઈટ એન્જિનના જરૂરી પાર્ટ્સ જ ન બદલ્યા, DGCAની કાર્યવાહી 1 - image


Air India Express : ભારતીય એરલાઈન્સ કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ મુસાફરોના જીવ જોખમમાં નાખી ગંભીર ભૂલ કરી છે. ટાટા ગ્રુપની આ એરલાઇન્સે યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA)ના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. એજન્સીના નિર્દેશ છતાં એવિએશને સમયસર એરબસ A320 વિમાનના એન્જિનના જરૂરી પાર્ટ્સ જ બદલ્યા નથી. એટલું જ નહીં તેણે રેકોર્ડમાં પણ રિપેરીંગનું કામ સમયસર પૂર્ણ કર્યું હોવાનો ઉલ્લેખ કરી છેતરપિંડી કરી છે.

DGCAની તપાસમાં ખુલાસો

સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ, ‘ગુપ્ત સરકારી મેમો મુજબ, ઉડ્ડયન નિયમનકાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે (DGCA) માર્ચ મહિનામાં એર ઈન્ડિયા એક્સપ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. ડીજીસીએની તપાસમાં ખુલાસો થયો છે કે, એરબસ A320 ના એન્જિનના આવશ્યક સ્પેરપાર્ટ્સ સમયસર બદલવામાં આવ્યા ન હતા. એરલાઈન્સે AMOS સિસ્ટમ (એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને એન્જિનિયરિંગ ઓપરેટિંગ સિસ્ટમ)માં જાણીજોઈને રેકોર્ડ બદલી નાખ્યો, તેથી તેણે એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે, રિપેરીંગનું કામ સમયસર થઈ ગયું છે.’

આ પણ વાંચો : શું હવે આપણે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે? એકનાથ શિંદેના નારા પર ઉદ્ધવ ઠાકરેની સેના ભડકી

એરલાઈન્સે ભૂલ સ્વીકારી

એર ઈન્ડિયા એક્સપ્રેસે પોતાની ભૂલ સ્વીકારીને કહ્યું કે, ‘રેકોર્ડ બદલતી વખતે આ ભૂલ થઈ છે, પછી તેને યોગ્ય કરી દેવાઈ હતી.’ જોકે કંપનીએ રિપેરીંગનું કામ કંઈ તારીખે કર્યું તે કહ્યું નથી અને બનાવટી રિપોર્ટના આરોપો પર પણ કોઈ જવાબ આપ્યો નથી. માર્ચ મહિનામાં ચેતવણી આપ્યા બાદ એરલાઈન્સે કથિત રીતે ક્વોલિટી મેનેજરને પદ પરથી હટાવી દીધા છે અને ઉડ્ડયન યોગ્યતા વ્યવસ્થાપકને સસ્પેન્ડ કરી દીધા છે. ડીજીસીએએ તાજેતરમાં જ એર ઈન્ડિયાને ત્રણે એર વિમાનોના ઓવરડ્યૂલ ઈમરજન્સી સ્લાઈડની તપાસ કરવાની ચેતવણી આપી હતી.

ટાટા ગ્રુપની એરલાઈન્સ પહેલેથી જ તપાસ હેઠળ

આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે 12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને કારણે ટાટા ગ્રુપની એરલાઇન્સ પહેલેથી જ તપાસ હેઠળ છે. તે અકસ્માતમાં એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનમાં સવાર 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં એન્જિન સમસ્યાની ઘટના પ્લેન ક્રેશની ઘટનાના થોડા મહિના પહેલા બની હતી. તે દર્શાવે છે કે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ બંને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં પૂર મામલે ભાજપમાં અંદરોઅંદર ડખા, કંગના રણૌત પર ગુસ્સે થયા ભાજપના પૂર્વ CM

Tags :