Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા મૃતકોના પરિવારને આપશે કુલ રૂ.1.25 કરોડની સહાય

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા મૃતકોના પરિવારને આપશે કુલ રૂ.1.25 કરોડની સહાય 1 - image

Air India Plane Crash Compensation : અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક જ મુસાફર બચી શક્યો હતો. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાતા ત્યાં હાજર અનેક લોકોના પણ મોત થયા છે. આ કરુણ ઘટના બાદ એર ઈન્ડિયાએ પીડિત પરિવારોને મદદ કરવાની જાહેરાત કરી છે. એરલાઈન્સે દુર્ઘટનાના પીડિત પરિવારોને તાત્કાલીક રાહત આપવા માટે 25-25 લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવાની આજે સત્તાવાર જાહેરાત કરી છે.

ખૂબ જ દુઃખદ ઘટનાથી અમને આઘાત લાગ્યો : એર ઈન્ડિયા

એર ઈન્ડિયાએ કહ્યું કે, અમે આ દુઃખ સમયમાં પીડિત પરિવારોની સાથે ઉભા છીએ. અમારા કર્મચારીઓ તેઓને તમામ મદદ કરવા માટે સતત કામ કરી રહ્યા છે. આ દુઃખદ ઘટનાથી અમને આઘાત લાગ્યો છે. અમે જીવ ગુમાવનારાઓના પરિવારજનો સાથે શોક વ્યક્ત કરીએ છીએ. અમે પીડિતોના પરિવારને તાત્કાલીક રાહત આપવાની જાહેરાત કરી છે, જે તેમના મુશ્કેલ સમયમાં સહારો બનવાનો અમારો પ્રયાસ છે.

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રૂપ મુસાફરો સહિત તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર

ટાટા ગ્રુપે એક-એક કરોડની સહાય જાહેર કરી

આ પહેલા ટાટા ગ્રુપે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેરક વ્યક્તિના પરિવારને રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ટાટા ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટના સમયે કોલેજ હોસ્ટેલના પરિસરમાં હાજર જે લોકોએ જીવ ગુમાવ્યો છે તે લોકોને પણ રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. 

પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદમાં (12 જુને) થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે પ્લેન ક્રેશની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચી છે.

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ : મૃતકોની સંખ્યા 270ને પાર