India

SIR બાદ હવે સીમાંકન.... ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં જ્ઞાનેશ કુમાર, વિપક્ષે ઊઠાવ્યા સવાલો

By GS Team
29 Nov 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન પ્રક્રિયાને આગળ વધારવાની તૈયારી વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની ભૂમિકાને લઈને રાજકીય વિવાદ તેજ બન્યો છે. સંસદના વિશેષ સત્રમાં રજૂ થનારા સીમાંકન બિલ 2026ની જોગવાઈઓ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર સીમાંકન પંચના સભ્ય બની શકે છે. આ પંચ દેશભરમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની સીમાઓ નક્કી કરશે. વિપક્ષે જ્ઞાનેશ કુમાર પર ભાજપ તરફી વલણનો આરોપ લગાવીને સરકાર પર નિશાન સાધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SIR બાદ હવે સીમાંકન.... ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં જ્ઞાનેશ કુમાર, વિપક્ષે ઊઠાવ્યા સવાલો

Gyanesh Kumar Delimitation Commission Role : કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન પ્રક્રિયાને આગળ વધારવાની તૈયારી વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની ભૂમિકાને લઈને રાજકીય વિવાદ તેજ બન્યો છે. સંસદના વિશેષ સત્રમાં રજૂ થનારા સીમાંકન (બીજું) બિલ, 2026ની જોગવાઈઓ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર સીમાંકન પંચના પદેન સભ્ય બની શકે છે. આ જ પંચ દેશભરમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની સીમાઓ નવેસરથી નક્કી કરવાની કામગીરી કરશે. સીમાંકન પ્રક્રિયામાં ચૂંટણી પંચની ભૂમિકાને લઈને વિપક્ષી પક્ષો સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનર પર સવાલ ઉઠાવી રહ્યા છે. વિપક્ષ અગાઉ પણ જ્ઞાનેશ કુમાર પર ભાજપ તરફી વલણ અપનાવવાનો આરોપ લગાવી ચૂક્યો છે.

સીમાંકન પંચમાં જ્ઞાનેશ કુમારની શું ભૂમિકા હશે?

પ્રસ્તાવિત વિધેયક મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર સીમાંકન પંચના સભ્ય તરીકે રહેશે. જોકે, તેઓ પોતાની જગ્યાએ અન્ય ચૂંટણી કમિશનરને નામિત કરી શકે તેવી જોગવાઈ પણ છે. આ સ્થિતિમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અથવા વિવેક જોશીમાંથી કોઈ એકને જવાબદારી સોંપી શકાય છે. આ જોગવાઈને લઈને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ પર પહેલેથી જ કબજો કરવામાં આવ્યો છે અને હવે જ્ઞાનેશ કુમાર સીમાંકનની પ્રક્રિયાની પણ દેખરેખ રાખશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે પંચની હાલની રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દેશનો ચૂંટણી નકશો બદલવા માટે જાણે બ્લેન્ક ચેક આપે છે.

ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર

રાહુલ ગાંધીના આરોપો સામે ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દીધા હતા અને તેમને મહિલા વિરોધી ગણાવ્યા હતા. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જો રાહુલ ગાંધીને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ નથી તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

અગાઉ પણ વિપક્ષના નિશાન પર રહ્યા છે જ્ઞાનેશ કુમાર

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અગાઉ પણ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (SIR)ને લઈને વિપક્ષના નિશાન પર રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે. આ વર્ષે માર્ચમાં 193 વિપક્ષી સાંસદોએ પક્ષપાત અને મતદાર યાદીમાંથી નામ હટાવવાના આરોપો સાથે જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવા માટે નોટિસ આપી હતી. ઓક્ટોબરમાં લગભગ 300 વિપક્ષી સાંસદોએ તેમના રાજીનામાની માંગ સાથે કૂચ પણ કરી હતી.

26 જાન્યુઆરી 2029 સુધી કાર્યકાળ

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધી છે. કેન્દ્ર સરકાર 2029ની લોકસભા ચૂંટણી પહેલાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા માગે છે. તેથી આગામી બે વર્ષ દરમિયાન સીમાંકનની પ્રક્રિયામાં તેમની ભૂમિકા રહેવાની શક્યતા છે. વિપક્ષે સીમાંકન પંચને આપવામાં આવનારી સત્તાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને પંચના અંતિમ આદેશોને કાયદાનું સ્વરૂપ આપવાની અને તેને કોઈપણ અદાલતમાં પડકારી ન શકાય તેવી જોગવાઈ સામે વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે.