ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી

| (IMAGE - IANS) |
Chief of Army Staff General Upendra Dwivedi: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે એક મોટું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર પર વાત કરતા આર્મી ચીફ જનરલએ કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર તો ટ્રેલર હતું, આખી પિક્ચર તો શરુ પણ નથી થઈ. છેલ્લા એક વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે અને રાજકીય નેતાઓ વચ્ચે વાતચીત થવાથી સંબંધોમાં ઘણો સુધારો થયો છે.' તેમણે સ્વીકાર્યું કે સામાન્ય સ્થિતિ આવવાથી ફાયદો થશે.
સોમવારે દિલ્હીના માણેક શો સેન્ટર ખાતે ડિફેન્સ ડાયલોગ કાર્યક્રમમાં હાજર રહેલા થલ સેનાધ્યક્ષ(COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ અનેક મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી. તેમણે કહ્યું કે, 'ભારત કોઈપણ પરિસ્થિતિમાં લાંબી લડાઈ માટે તૈયાર છે અને દુશ્મન ભલે પાકિસ્તાન હોય કે તેના સમર્થિત આતંકવાદીઓ, સેના દરેક ખતરાનો જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન ભલે પડદા પાછળ છુપાઈને આતંકવાદને ગમે તેટલો પ્રોત્સાહન આપે, ભારતીય સેના તેની દરેક હરકત પર નજર રાખે છે.'
જનરલ દ્વિવેદીએ કર્યો ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ
ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનને લઈને જનરલ દ્વિવેદીએ કહ્યું કે, 'સિંદૂર 2 નવી ચેતવણી છે. પાણી અને લોહી એકસાથે ન ચાલી શકે. જો તમે બ્લેકમેઇલ કરશો, તો અમે શાંત નહીં બેસીએ. હજુ તો મૂવી શરુ પણ નહોતી થઈ અને પાકિસ્તાનને 88 કલાકમાં જ સમજાવી દેવામાં આવ્યું.'
તેમણે આગળ કહ્યું, 'આ પાકિસ્તાન માટે એક મોટો પડકાર બની રહેશે. અમે કહી રહ્યા છીએ કે તમે શાંતિની પ્રક્રિયા અપનાવો. જો તમે અમને બ્લેકમેઇલ કરવા માંગો છો, તો ભારત કોઈ પણ બ્લેકમેઇલથી ડરશે નહીં. ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતું, જે 88 કલાકમાં પૂરું થઈ ગયું. દરેક સ્તરે સમય પ્રમાણે એક્શન લેવામાં આવશે. ઇન્ટિગ્રેશન જેટલું જલ્દી થશે, એટલો જલ્દી અમે જવાબ આપી શકીશું.'
લાલ કિલ્લા કાર બ્લાસ્ટ મામલે કહી આ મોટી વાત
લાલ કિલ્લા પર થયેલા ધમાકાનો સંદર્ભ લેતા સેના પ્રમુખે કહ્યું કે, 'ડિટરન્સ (રોકવાની ક્ષમતા) કામ કરી રહી છે. જો આતંકવાદીઓ તરફથી કોઈ બેરંગ ચિઠ્ઠી પણ આવશે તો સેના શોધી કાઢશે કે તે ક્યાંથી આવી છે.'
ચીન સાથે ભારતના સંબંધો પર શું બોલ્યા જનરલ દ્વિવેદી?
ચીન સાથેના સંબંધો પર તેમણે આશા વ્યક્ત કરી કે પૂર્વી લદ્દાખમાં તણાવ ઘટ્યા પછી બંને દેશ સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'રાજકીય નેતૃત્વ વચ્ચે વાતચીત વધવાથી જમીની પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થયો છે. જ્યારે ડિપ્લોમેસી અને રાજકીય દિશા સાથે આવે છે, ત્યારે ડિફેન્સ ડિપ્લોમેસી 'સ્માર્ટ પાવર' બની જાય છે.'
આ પણ વાંચો: બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું, 19મીએ વિધાનસભા ભંગ
મણિપુર હિંસા પર કહી આ વાત
મણિપુર હિંસા પર પણ જનરલ દ્વિવેદીએ પોતાનું રિએક્શન આપ્યું. તેમણે કહ્યું કે મણિપુર તેમના માટે સ્વર્ગ જેવું છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ત્યાંના સમુદાયો આપસી મતભેદ ઉકેલશે તો સ્થિતિ વધુ સારી બનશે.
આ જ રીતે, મ્યાનમારથી આવેલા 43,000 શરણાર્થીઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારત તેમને પાછા મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જો તેમાંથી કોઈ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ જણાશે તો કડક પગલું લેવામાં આવશે.

