For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત પછી શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરી

- ગુજરાતમાં ભાજપની જીત માટે સંદેહ હતો પરંતુ આ તો અસામાન્ય બન્યું

Updated: Dec 9th, 2022

ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત પછી શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરી- મોદી ગુજરાતમાં ૧૫ વર્ષ મુખ્યમંત્રી રહ્યા દરમિયાન ગુજરાતે પ્રગતિ સાધી, વડાપ્રધાન થયા પછીએ ગુજરાત પર વિશેષ ધ્યાન આપ્યું : સામના

મુંબઈ, તા. ૯

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામોથી સૌ કોઈને આશ્ચર્ય થયું છે. ભાજપે રાજ્યમાં રેકોર્ડ સીટો મેળવી છે, અને સતત સાતમી વખત સત્તા પ્રાપ્ત કર્યા પછી એક અન્ય વિક્રમ પણ સર્જી દીધો છે. વિરોધ પક્ષો કોંગ્રેસ અને આપ હવામાં ઊંડી ગયા છે. ગુજરાત વિજય પછી શિવસેનાનાં મુખપત્ર સામનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લા મને પ્રશંસા કરી છે.

સામનાનાં તંત્રીલેખમાં લખ્યું છે, 'મોદી ગુજરાતમાં ૧૫ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં તેઓના શાસનકાળ દરમિયાન ગુજરાતે ઘણી પ્રગતિ કરી. વડાપ્રધાન થયા પછી પણ તેઓએ ગુજરાત ઉપર સવિશેષ ધ્યાન આપ્યું. આથી ગુજરાતની આ ઐતિહાસિક જીતનું શ્રેય માત્ર મોદીને જ આપવું જોઈએ.'

આ તંત્રી લેખમાં વધુમાં લખ્યું છે કે, ગુજરાતમાં ભાજપનો જ વિજય થશે તે અંગે તો કોઈને શંકા જ ન હતી. કોરોના કાળમાં હોસ્પિટલોમાં જગ્યા ન હતી. રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. સ્મશાન ગૃહોમાં શબને અગ્નિદાહ આપવા માટે કતારો લાગતી હતી તેમ છતાં લોકોએ મોદીની ઝોળીમાં મત નાખ્યાં. પોતાની યોજનાબદ્ધ ચૂંટણી મશીનરીને ગોઠવી અને વડાપ્રધાન થયા પછી પણ પોતાનાં ગૃહ રાજ્ય ઉપર તેઓ ઝીણવટભરી નજર રાખતા હતા, અરે ! ચૂંટણી પહેલાં મોરબી પુલ દુર્ઘટના થઈ પરંતુ તે લહરનો ધક્કો મોદી લહરને ન લાગ્યો. કારણ કે મોદી ગુજરાતના ગૌરવ પુરૂષ છે.

ગુજરાતમાં ભાજપ ભવ્ય વિજય મેળવી સતત સાતમીવાર સત્તારૂઢ થયો છે. ભાજપે કોંગ્રેસને ખરેખરી પછડાટ આપી છે. અન્ય વિપક્ષો ફેંકાઈ ગયા છે. ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં તે ગઢ વધુ મજબૂત બન્યો છે. ૧૮૨ બેઠકોમાંથી ભાજપે વિક્રમસર્જક ૧૫૬ બેઠકો મેળવી છે. કોંગ્રેસને ૧૭ અને આપને ૫ બેઠકોથી સંતોષ માનવો પડયો છે.

Gujarat