Get The App

પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ડ્રોન સ્ટ્રાઈકમાં ISISના આતંકી ઠેકાણા નષ્ટ કર્યાનો તાલિબાનનો દાવો

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ડ્રોન સ્ટ્રાઈકમાં ISISના આતંકી ઠેકાણા નષ્ટ કર્યાનો તાલિબાનનો દાવો 1 - image

Afghanistan Pakistan Conflict : અફઘાનિસ્તાને પાકિસ્તાનની અંદર ઘૂસીને એક મોટો હુમલો કર્યો છે. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના જવાબમાં કરવામાં આવી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે, અફઘાન દળોએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ એટલે કે ISIS-Kના આતંકી કેમ્પો અને ઠેકાણાઓ પર સફળ હુમલા કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. 

અફઘાનિસ્તાને પાકિસ્તાની હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો

તાલિબાનના જણાવ્યા અનુસાર આ ઠેકાણાઓનો ઉપયોગ અફઘાનિસ્તાનની ધરતી પર હુમલાના ષડયંત્ર માટે થતો હતો. ગયા અઠવાડિયે નાંગરહાર અને પક્તિયામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં અફઘાન મહિલાઓ અને બાળકોના મોત થયા હતા, જેના કારણે આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.

હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓ નષ્ટ

અફઘાન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, આ હુમલા બલૂચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લાના ગુલિસ્તાન વિસ્તાર, ચગાઈ જિલ્લાના શાકર આબ જંગલ વિસ્તાર અને ખૈબર પખ્તુનખ્વાની ઓરકઝઈ એજન્સીના કંબર ખેલ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. આ સ્થાનોનો ઉપયોગ ISIS-K દ્વારા ભરતી, તાલીમ અને ઉચ્ચ નેતાઓની અવરજવર માટે કરવામાં આવતો હતો.

પાકિસ્તાન તરફખી કોઈ પ્રતિક્રિયા નહીં

અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે, ઓપરેશન દરમિયાન તમામ હાઈ-વેલ્યુ ટાર્ગેટ્સ સફળતાપૂર્વક ધ્વસ્ત કરવામાં આવ્યા છે અને દેશની સુરક્ષા માટે આ પગલું જરૂરી હતું. પાકિસ્તાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પણ વાંચો : યુકેના રાજકારણમાં ઉલટફેર: 'કિંગ ઑફ ધ નોર્થ'ની જીતથી PM સ્ટાર્મરની ખુરશી ડગમગી!

બંને દેશો વચ્ચે સરહદી તણાવ

પાકિસ્તાન લાંબા સમયથી અફઘાન તાલિબાન પર TTP અને ISIS-K જેવા આતંકી સંગઠનોને શરણ આપવાનો આરોપ લગાવતું આવ્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આ આરોપોને નકારીને પાકિસ્તાન પર જ ISIS ને સમર્થન આપવાનો વળતો આરોપ લગાવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે સરહદ પર સૈન્ય તણાવ સતત વધી રહ્યો છે.

પાકિસ્તાને શરૂ કરી હુમલાની શરૂઆત

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની વાયુસેનાએ 'ઓપરેશન ગજબ લિલ-હક' હેઠળ અફઘાનિસ્તાનના નાંગરહાર, પક્તિયા, કાબુલ અને કંધાર પ્રાંતમાં TTPના શંકાસ્પદ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ બોમ્બમારોમાં નાગરિકોના મોત થતાં અફઘાન તાલિબાન દળોએ ડૂરંડ લાઈન નજીક પાકિસ્તાનની કેટલીક સરહદી ચોકીઓ અને સૈન્ય મથકો પર કબજો જમાવવા માટે મોટો જમીની હુમલો શરૂ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને વળતી કાર્યવાહી કરીને પક્તિયામાં તાલિબાનનું કોર મુખ્યાલય અને નાંગરહારમાં હથિયાર ડેપો તેમજ સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ કર્યું હતું.

હજારો લોકો બેઘર અને વૈશ્વિક ચિંતા

પાકિસ્તાની હવાઈ હુમલા અને સરહદ પર ચાલી રહેલી હિંસક અથડામણોના કારણે આ વિસ્તારમાં મોટા પાયે નુકસાન થયું છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UNના અહેવાલ મુજબ પૂર્વીય પ્રાંતોમાં 94,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સંઘર્ષમાં અનેક નાગરિકોના જીવ ગયા છે અને સ્વાસ્થ્ય કેન્દ્રો તેમજ ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચ્યું છે. સરહદ પર સતત બગડતી સ્થિતિને જોતા તુર્કીયે, રશિયા અને ચીન જેવા દેશોએ યુદ્ધવિરામ કરાવવા અને તણાવ ઓછો કરવા માટે રાજદ્વારી મધ્યસ્થતાની ઓફર કરી છે.

આ પણ વાંચો : દુનિયાના અમીરો કેમ છોડી રહ્યા છે પોતાના દેશ? આ વર્ષે તૂટી જશે ઇતિહાસના તમામ રૅકોર્ડ