ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને હાઈકોર્ટથી રાહત, નહીં ગુમાવે MLAનું પદ, બે વર્ષની સજા રદ
Abbas Ansari Hate Speech Case : ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણ કરવાના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપી બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ મઉ વિધાનસભા બેઠક પરના SBSP (સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી)નો ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટે અબ્બાસને રાહત આપ્યા બાદ હવે તે ધારાસભ્યનું પદ નહીં ગુમાવે. આ ઉપરાંત હવે મઉ વિધાનસભા બેઠક પર પેટા-ચૂંટણી પણ નહીં યોજાય. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરવાની સાથે એમપી-એમએલએ કોર્ટને અબ્બાસને ફટકારેલી બે વર્ષની સજા પણ રદ કરી દીધી છે.
અબ્બાસે વિધાનસભા ચૂંટણી વખતે ધમકી આપી હતી
અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સમીર જૈને અબ્બાસને સજા આપવાના નિર્ણયને રદ કરવાની સાથે નિર્ણય 30 જુલાઈ સુધી સુરક્ષિત રાખ્યો છે. હવે તેમને ફરી ધારાસભ્ય પદ મળી જશે. વાસ્તવમાં 2022ની વિધાનસભા ચૂંટણી વખતે અબ્બાસે ધમકી આપી કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો રાજ્ય સરકારના અધિકારીઓએ પરિણામ ભોગવવા પડશે. આ મામલે અબ્બાસ સામે કેસ નોંધાયા બાદ તેને બે-બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો : VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
અબ્બાસની સાથે ચૂંટણી એજન્ટને પણ સજા
ભડકાઉ ભાષણનો કેસ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે અબ્બાસ સામેની તમામ સજાઓની એક સાથે સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેને બે હજારનો દંડ પણ ફટકારાયો હતો. મંચ પર ધમકીભર્યા ભાષણ દરમિયાન અબ્બાસ સાથે હાજર ચૂંટણી એજન્ટ મંસૂર અંસારી પણ કેસમાં દોષિત ઠેરવાયો હતો અને તેને છ મહિનાની કેદની સજા સંભળાવાઈ હતી. આ નિર્ણય સામે અબ્બાસ અંસારીની અપીલ મઉના સ્પેશિયલ એડિશનલ સેશન્સ જજ સમક્ષ પેન્ડિંગ છે. અંસારીએ સજા સ્થગિત કરવા માટે અરજી પણ આપી હતી જે 5 જુલાઈના રોજ ફગાવી દેવામાં આવી હતી. તેમણે આ આદેશ સામે આ રિવિઝન અરજી દાખલ કરી હતી.