આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી
Aadhaar, Pan, Voter card Not Proof of Indian Citizenship: ભારતમાં રહેતા કોઈ પણ નાગરિક પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા ઓળખના પુરાવા હોય તો તેનો મતલબ એ નથી કે, તે ભારતનો નાગરિક બની જશે. બાંગ્લાદેશની ગેરકાયદે ઘુસણખોરીના આરોપીને જામીન આપવાનો ઇન્કાર કરતાં બોમ્બે હાઇકોર્ટે આ વાત કરી છે. શખ્સ પર બનાવટી દસ્તાવેજો બનાવીને આશરે એક વર્ષથી ભારતમાં રહેવાનો આરોપ છે. જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે કહ્યું કે, સિટિઝનશિપ ઍક્ટ હેઠળ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોણ ભારતનો નાગરિક હોઈ શકે છે અને કોણ નહીં. આ ઍક્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે નાગરિકતા મેળવી શકાય છે.
આ પણ વાંચો: ‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો
બેન્ચે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને મતદાર ઓળખપત્ર માત્ર નાગરિકોની ઓળખ માટે અથવા તેમને સેવાઓ પૂરી પાડવા માટે જ છે. આ ઉપરાંત કોર્ટે બાબુ અબ્દુલ રઉફ સરદારને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. બાબુ અબ્દુલ પર આરોપ છે કે, તે માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ઘુસ્યો હતો. અહીં આવ્યા પછી તેણે બધા દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને ભારતીય પાસપોર્ટનો સમાવેશ થાય છે. જસ્ટિસ બોરકરે કહ્યું કે, સંસદે 1955માં નાગરિકતા કાયદો પસાર કર્યો હતો, જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોને નાગરિક કહેવામાં આવે છે અને કોને નહીં તેમજ કોણ નાગરિક બની શકે છે.
આધાર, પાન કાર્ડ જેવા દસ્તાવેજો માત્ર ઓળખ માટે, નાગરિકતા માટે નહીં
આધાર, પાન કાર્ડ જેવા દસ્તાવેજો પર વાત તેમણે કહ્યું કે, 'મારા મતે, નાગરિકતા અધિનિયમ, 1955 એકમાત્ર કાયદો છે જે ભારતમાં નાગરિકતા અને રાષ્ટ્રીયતાને વ્યાખ્યાયિત કરે છે. તે સ્પષ્ટ કરે છે કે, કોને નાગરિક કહેવાય, નાગરિક કેવી રીતે છે અને જો નાગરિકતા નથી, તો તે કેવી રીતે મેળવી શકાય છે.' જસ્ટીસ બોરકરે કહ્યું કે, માત્ર આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર હોવાથી કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક નથી બની જતો. આ દસ્તાવેજો એટલા માટે છે કે નાગરિકની ઓળખ થાય અને તેને સેવાઓ પૂરી પાડી શકાય. રાષ્ટ્રીયતાને વ્યાખ્યાયિત કરતો નાગરિકતા અધિનિયમ, આ દસ્તાવેજોના આધારે નકારી શકાય નહીં. કોર્ટનો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે બિહારમાં મતદાર યાદીના SIR પર ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: કંઈક નવાજૂની થવાના એંધાણ ! ભાજપ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ રહેવા પાર્ટીનો આદેશ
કોર્ટે કહ્યું - ઘુસણખોર અને નાગરિક વચ્ચેનો તફાવત જરૂરી છે, નહીં તો દેશ જોખમમાં છે
બેન્ચે કહ્યું કે, 1955નો કાયદો પણ ભારતના નાગરિકો અને ઘુસણખોરો વચ્ચેના તફાવતને સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'જે લોકો ગેરકાયદે ભારતમાં ઘુસે છે, તેમને કોઈપણ રીતે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. નાગરિક અને ઘુસણખોર વચ્ચેનો તફાવત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે દેશની સાર્વભૌમત્વનું રક્ષણ કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે નાગરિકોને તેમના અધિકારો મળે અને કોઈ ગેરકાયદેસર વ્યક્તિ તેમને પ્રાપ્ત કરી ન શકે.
ઉલ્લેખનીય છે કે, બેન્ચે બાંગ્લાદેશી આરોપી સામે તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું કે, જો તેને બહાર કાઢવામાં આવશે તો તે ભાગી જશે.