‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો
Bihar Political News : રાજકીય વ્યૂહરચનાકાર અને જન સુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરે આજે (12 ઑગસ્ટ) બક્સરમાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘નવેમ્બરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની વિદાય નિશ્ચિત છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘મારો દીકરો દેશની સૌથી સારી સ્કૂલમાં અભ્યાસ કરે છે, બિહારમાં ભણતો નથી, પરંતુ હું બિહારને સુધારવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. મેં અહીં બોરા વાલા સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે, હું મારા દમ પર આગળ આવ્યો છું, કોઈને લૂંટીને નહીં.’
લાલુ-નીતિશથી છૂટકારો મેળવવો જરૂરી
પ્રશાંત કિશોરે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને જનતા દળયુના વડા નીતિશ કુમાર પર આકરા પ્રહારો કરી કહ્યું કે, સમગ્ર બિહારમાં અમારી ‘બદલાવ યાત્રા’ ચાલી રહી છે, જેમાં હું આજે ડુમરાંવ ગામમાં પહોંચ્યો છું. તેમણે દાવો કર્યો કે, બિહારનો દરેક વર્ગ જાતિ, ધર્મ અને પક્ષની સીમાઓથી ઉપર ઉઠીને પરિવર્તન ઇચ્છે છે. હવે પ્રજાની પ્રાથમિકતા લાલુ અને નીતિશથી છૂટકારો મેળવવાની છે.
પ્રશાંત કિશોરે SIR પર શું કહ્યું?
પ્રશાંત કિશોરે SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)નો વિરોધ કરી ભાજપ અને સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, એસઆઇઆર હેઠળ મતદાર યાદીમાંથી ગરીબ અને પ્રવાસી બિહારી મતદારોના નામ હટાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સરકાર જાણે છે કે, ગરીબ પ્રજા દારુબંધી અને ભ્રષ્ટાચારથી નારાજ છે, તેથી તેઓ તેમના વિરુદ્ધ મતદાન કરશે, તેથી જ તેઓ મતદાર યાદીમાંથી નામો કાપી રહ્યા છે.’
ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
જય સુરાજ પાર્ટીના પ્રમુખે ચૂંટણી પંચની નિષ્પક્ષ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘ભલે તેઓ ગમે તેટલા નામ કાપી નાખે, પરંતુ જે મતદારો બચ્યા છે, તેઓ જ ભાજપ અને નીતિશ સરકારને હટાવવા માટે કાફી છે.