Get The App

કંઈક નવાજૂની થવાના એંધાણ ! ભાજપ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ રહેવા પાર્ટીનો આદેશ

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
કંઈક નવાજૂની થવાના એંધાણ ! ભાજપ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ રહેવા પાર્ટીનો આદેશ 1 - image


BJP News : કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈ નવાજૂની કરવાની તૈયારી શરુ કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે પોતાના તમામ સાંસદોને 6 અને 7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન સાંસદો સાથે પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર ચર્ચા થવાની સંભાવના છે. 9મી સપ્ટેમ્બર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે અને આ ચૂંટણીમાં સાંસદો મતદાન કરવાના છે, ત્યારે તે પહેલા તમામ પક્ષો પોતાના સાંસદો માટે વ્હિપ જાહેર કરે છે. એવી પણ ચર્ચા છે કે, ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન આજે સાંજ સુધીમાં ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, દિલ્હીમાં ભાજપ સાંસદો માટે બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભાજપ સાંસદોને ફરજિયાત હાજર રહેવા આદેશ

ભાજપે પોતાના તમામ સાંસદોને 6 અને 7મી સપ્ટેમ્બરે દિલ્હીમાં ફરજિયાત હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, બે દિવસ યોજાનારા કાર્યક્રમો અને બેઠકોમાં સાંસદોને ફરજિયાત ઉપસ્થિત રહેવા ભારપૂર્વક કહેવાયું છે. આ બે દિવસના વર્કશોપમાં પાર્ટી સંબંધી અનેક કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાંસદોને સંબોધિત કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ

9મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી

સપ્ટેમ્બરમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની હોવાથી NDA અને I.N.D.I.A. ગઠબંધને તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. આ ચૂંટણી માટે 7 ઑગસ્ટે જાહેરનામું બહાર પડાયું હતું. ત્યારબાદ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 21 ઑગસ્ટ, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 25 ઑગસ્ટ અને મતદાન તારીખ 9 સપ્ટેમ્બરે યોજાશે. જ્યારે પરિણામ પણ 9 સપ્ટેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તાજેતરમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી પડ્યું છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહ(લોકસભા અને રાજ્યસભા)ના સભ્યો મતદાન કરશે, જેમાં કુલ 788 સભ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને...’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ

Tags :