અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ!

Mexico Tariffs: વૈશ્વિક વેપાર જગતમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરુ થવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકા દ્વારા વિવિધ દેશોના માલ પર ટેરિફ વધાર્યા બાદ હવે મેક્સિકોએ પણ મોટો નિર્ણય લીધો છે. મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આયાત થતાં માલ પર 50 ટકા સુધીના ઊંચા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ સેનેટમાં મંજૂર કર્યો છે.
2026થી લાગુ થશે નવા નિયમો
અહેવાલો અનુસાર, મેક્સિકો દ્વારા વધારવામાં આવેલા આ ટેરિફ આગામી વર્ષ 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત થનારા એશિયન દેશોમાં ભારત અને ચીન ઉપરાંત દક્ષિણ કોરિયા, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.
મેક્સિકો આ દેશોમાંથી આયાત થતાં ઓટો પાર્ટ્સ, કાપડ, સ્ટીલ અને અન્ય વસ્તુઓ પર 50 ટકા સુધીનો ટેરિફ લાદશે. સેનેટ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવ મુજબ, ઘણી વસ્તુઓ પર ટેરિફ વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું - જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી
મેક્સિકોએ કેમ ભર્યું આ પગલું?
સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવાના ઉદ્દેશ્યથી મેક્સિકોએ આ પગલું ભર્યું છે. જો કે, આ નિર્ણય પાછળના અન્ય કારણો પણ સામે આવ્યા છે.
અહેવાલ અનુસાર, આ ટેરિફ વધારો અમેરિકાને ખુશ કરવાના પ્રયાસરૂપે લેવામાં આવ્યો છે. મેક્સિકોએ અગાઉ પણ યુએસને ખુશ કરવા માટે ચીની માલ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. મેક્સિકો તેની રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે આગામી વર્ષે આ ટેરિફ દ્વારા 3.76 અબજ ડૉલરની વધારાની આવક ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જો કે, મેક્સિકન સેનેટે પ્રારંભિક પ્રસ્તાવ કરતાં ઓછી પ્રોડક્ટ કેટેગરી પર ટેરિફ લગાવ્યા છે. લગભગ 1400 આયાતી માલ પર ટેરિફ લાદતાં આ બિલને અગાઉના સ્થગિત સંસ્કરણથી નરમ બનાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારી જૂથોએ મેક્સિકોના આ ટેરિફ વધારાનો સખત વિરોધ કર્યો છે.

