PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી
PM Modi Mizoram Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. તેઓ હાલમાં મિઝોરમમાં છે, જ્યાં તેમણે રાજ્યને રેલ્વેની ભેટ આપી છે. વડાપ્રધાને મિઝોરમના આઇઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે પહેલી વાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ ત્રણ નવી એક્સ્પ્રેસને પણ લીલી ઝંડી બતાવી છે.
વડાપ્રધાન મોદીએ મિઝોરમમાં કહ્યું કે આ દેશ માટે, ખાસ કરીને મિઝોરમના લોકો માટે એક ઐતિહાસિક દિવસ છે. આજથી ભારતના રેલ્વે નકશામાં આઇઝોલ ઉમેરવામાં આવ્યું છે. હું મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર છું. દુર્ભાગ્યવશ, ખરાબ હવામાનને કારણે, હું તમારી વચ્ચે આઇઝોલ આવી શક્યો નહીં, પરંતુ આ માધ્યમ દ્વારા પણ હું તમારો પ્રેમ અને સ્નેહ અનુભવી રહ્યો છું.'
ખરાબ હવામાનના કારણે એરપોર્ટ પરથી કર્યું ઉદ્ઘાટન
અધિકારીઓએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે, વડાપ્રધાન મોદી લેંગપુઇ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા આઇઝોલના લમ્મુઆલ ગ્રાઉન્ડ પહોંચી શક્યા ન હતા. આ કારણે તેમણે એરપોર્ટથી જ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું.
મણિપુરની લેશે મુલાકાત
મિઝોરમ પછી, વડાપ્રધાન મોદી મણિપુરની મુલાકાત લેશે. અહીં તેઓ 8,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.