2027માં આવશે નવું સંકટ! IREFના ‘ચોખા-અલનિનો રિપોર્ટે’ ભારત સહિત વિશ્વની વધારી ચિંતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

El Nino Threatens Global Rice Supply: એક તરફ હવામાન સતત મિજાજ બદલી રહ્યું છે, તો બીજી તરફ અલનીનો (El Nino) ભારત, પાકિસ્તાન, ચીન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ સહિત વિશ્વભરના ડાંગર ઉત્પાદક દેશો પર વિપરીત અસર પાડી રહ્યું છે.
વિશ્વના ચોખાના બજાર માટે આગામી વર્ષ એટલે કે, 2027 મુશ્કેલીઓથી ભરેલું હોઈ શકે છે. ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન (IREF) મુજબ, S&P ગ્લોબલના અંદાજો દર્શાવે છે કે, 2026-27 ના માર્કેટિંગ વર્ષમાં ગ્લોબલ પ્રોડક્શન 90 લાખ ટન ઘટીને 536.4 મિલિયન ટન રહી શકે છે. આમાં સૌથી મોટું અનિશ્ચિત પરિબળ હવામાન છે. અલનીનો તીવ્ર બનવાની આશંકા, ખેતી અને ટ્રાન્સપોર્ટેશનનો વધતો ખર્ચ અને ભૂ-રાજકીય તણાવ વિશ્વના મુખ્ય ચોખા ઉત્પાદક વિસ્તારોમાં વાવણી અને પાકના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે.
અલનીનોથી ચોખાનું માર્કેટ કેમ ચિંતિત છે?
અલનીનોની અસર ખોટા સમયે થઈ શકે છે. આ અંદાજમાં ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, ચીન, મ્યાનમાર અને ફિલિપાઈન્સ જેવા ચોખાના મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશો સામેલ છે. કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ શકે છે, તો કેટલાક વિસ્તારોમાં વાવણી અને પાકના વિકાસના સમયે હવામાનની વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.
2027ના પ્રારંભ સુધી અલનીનો સક્રિય રહેશે
IREFના અંદાજા મુજબ, US નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે જુલાઈમાં અંદાજ લગાવ્યો હતો કે, અલનીનો 2027ના પ્રારંભ સુધી જળવાઈ રહેવાની શક્યતા 97% છે, અને ઓક્ટોબર-ડિસેમ્બર 2026 દરમિયાન તે વધુ મજબૂત થવાની શક્યતા 81% છે.
જો આ પેટર્ન એપ્રિલ 2027 સુધી ચાલુ રહેશે, તો ડાંગરની ખેતીના ચક્ર પર તેની સીધી અસર પડશે. અલનીનો એક એવી હવામાન ઘટના છે, જેના કારણે ક્યાંક દુષ્કાળ, તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તે ચોમાસાને પણ નબળું પાડે છે, જેના કારણે ધારણા કરતા ઓછો વરસાદ થાય છે, અને ચોખા-મકાઈ સહિતના ખરીફ પાકોને નુકસાન થાય છે.
શું દુનિયામાં ચોખા ખૂટી જશે?
ઉત્પાદનમાં ઘટાડાના અંદાજ છતાં, ગ્લોબલ રાઈસ એક્સપોર્ટ મોટે ભાગે સ્થિર રહેવાની અપેક્ષા છે, કારણ કે 2025-26નો નોંધપાત્ર સ્ટોક બાકી છે. પરંતુ માંગ સામે વિપરીત દિશામાં વધી રહી છે. ગ્લોબલ રાઈસ ઈમ્પોર્ટ લગભગ 4 મિલિયન ટન વધીને 59.7 મિલિયન ટન થવાનો અંદાજ છે, કારણ કે, વિવિધ દેશો પુરવઠો સુરક્ષિત કરવા માંગે છે.
ચોખાના સ્ટોકનું શું થશે?
ગ્લોબલ સ્ટોક-ટુ-યૂઝ રેશિયો ઘટીને 36% થવાનો અંદાજ છે. સ્ટોકનો આ ઘટતો બફર દર્શાવે છે કે, બજાર હવામાનની સ્થિતિ, સપ્લાયમાં અવરોધ અને અચાનક ખરીદી સામે વધુ સંવેદનશીલ બની શકે છે.
શું ચોખાના ભાવ વધી શકે છે?
અલનીનોની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને કારણે ખાતર, બળતણ અને પરિવહનનો ખર્ચ વધી શકે છે, જેથી ગ્લોબલ માર્કેટ સુધી ચોખા પહોંચાડવાનો ખર્ચ પણ વધશે.
ભારત માટે આ કેમ મહત્વનું છે?
ભારત ચોખાનો સૌથી મોટો ઉત્પાદક, નિકાસકાર અને વપરાશકાર દેશ હોવાથી, ગ્લોબલ પ્રોડક્શન કે કિંમતોમાં કોઈપણ મોટા ફેરફારની અસર માત્ર ખેડૂતો અને નિકાસકારો સુધી સીમિત નહીં રહે. આવનારા વર્ષમાં દેશો ચોખા મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી શકે છે.









