India

પૂણેમાં કોર્ટ બહાર ધોળા દિવસે ખૂની ખેલ! હાજરી આપવા આવેલા યુવકને ગોળીઓ ધરબી ધારદાર હથિયારથી હાથ કાપ્યો

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
પુણેમાં કોર્ટ બહાર ખુલ્લેઆમ હુમલો થતાં સનસનાટી મચી છે. હત્યાના આરોપી મંદાર મારુતિ કિવલે પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને ફાયરિંગ પણ થયાનું મનાય છે. મંદારને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. 4 દિવસ પહેલા જ જેલમાંથી છૂટેલા મંદાર પર જૂની અદાવતમાં હુમલો થયાની આશંકા છે. પોલીસે 8 થી 10 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂણેમાં કોર્ટ બહાર ધોળા દિવસે ખૂની ખેલ! હાજરી આપવા આવેલા યુવકને ગોળીઓ ધરબી ધારદાર હથિયારથી હાથ કાપ્યો

Pune Murder Case : મહારાષ્ટ્રના પુણે જિલ્લા અને સત્ર અદાલતની બહાર બુધવારે બપોરે કોર્ટના કામકાજના સમય દરમિયાન જ એક યુવક પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. કાયદાકીય કાર્યવાહી માટે અદાલતમાં હાજર થવા આવેલા મંદાર મારુતિ કિવલે પર હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને ફાયરિંગ પણ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંક્યા, આરોપીઓ ફરાર

આ ભયાનક ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં મંદાર કિવલે ફૂટપાથ પર લોહીલુહાણ હાલતમાં પડેલો જોવા મળે છે અને શખ્સો તેના પર સતત તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકી રહ્યા છે. આ ઘાતકી હુમલો કર્યા બાદ આરોપીઓ બે અલગ-અલગ સ્કૂટર પર સવાર થઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

મૃતક મંદાર હત્યાના ગુનાનો આરોપી હતો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાનો ભોગ બનેલો મંદાર કિવલે પોતે પણ હત્યાના એક ગુનામાં આરોપી છે. ગત વર્ષે 20 એપ્રિલ, 2025ના રોજ પુણેના સંતોષનગર કાત્રજ વિસ્તારમાં જમીન અને પૈસાની લેતીદેતીના વિવાદમાં શુભમ સુભાષ ચવ્હાણ નામના યુવકની હત્યા થઈ હતી, જે કેસમાં મંદાર જેલમાં બંધ હતો. હજુ 4 દિવસ પહેલા જ તે જેલમાંથી બહાર આવ્યો હતો અને બુધવારે કોર્ટની મુદતે હાજર થવા આવ્યો ત્યારે જ જૂની અદાવતમાં તેના પર આ હુમલો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

તપાસ માટે 8થી 10 ટીમો કામે લાગી : જોઈન્ટ સીપી સંજય દરાડે

પુણે સિટી પોલીસના જોઈન્ટ સીપી સંજય દરાડેએ સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ 3 થી 4 જેટલા હુમલાખોરોએ આ વારદાતને અંજામ આપ્યો છે. હાલ ઈજાગ્રસ્ત મંદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના શરીર પર થયેલા ઈજાના નિશાન અને ઘટનાસ્થળેથી મળી આવેલા હથિયારોની તપાસ બાદ જ ગોળીબાર થયો હતો કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે 8 થી 10 અલગ-અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે. આરોપીઓ પકડાયા બાદ જ હુમલો ગત વર્ષના હત્યા કેસની અદાવતમાં થયો છે કે અન્ય કોઈ કારણોસર, તે સ્પષ્ટ થશે અને ગુનામાં સામેલ કોઈપણ શખ્સ સામે કડક કાર્યવાહી કરાશે.