India

ઝારખંડમાં રાંચી-પટના હાઈવે પર મંદિરે દર્શન કરવા જતા પરિવારને કાળ ભરખ્યો, 4 બાળકો સહિત 13નાં મોત

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
ઝારખંડના રામગઢમાં રાંચી-પટના હાઈવે (NH-33) પર શનિવારે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બિહારના નાલંદાથી રજરપ્પા મંદિરે દર્શને જઈ રહેલા 14 લોકોની SUV કાર અન્ય વાહન સાથે અથડાતા 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં 4 બાળકો, 4 મહિલા અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. એક ગંભીર ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝારખંડમાં રાંચી-પટના હાઈવે પર મંદિરે દર્શન કરવા જતા પરિવારને કાળ ભરખ્યો, 4 બાળકો સહિત 13નાં મોત

Jharkhand Road Accident News : ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટના હાઈવે (NH-33) પર શનિવારે (28 નવેમ્બર) મોડી રાત્રે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધરાતે આશરે 2 વાગ્યાના સુમારે પૈંકી વિસ્તાર નજીક SUV કાર અન્ય વાહન સાથે ધડાકાભેર અથડાતા 13 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મંદિરે દર્શન કરવા જતા પરિવારને નડ્યો અકસ્માત, કારમાં 14 લોકો હતા સવાર

મળતી માહિતી પ્રમાણે, બિહારના નાલંદા જિલ્લાના જાંઘારો ગામના કુલ 14 લોકો SUV કારમાં સવાર થઈને રામગઢ જિલ્લાના પ્રસિદ્ધ રજરપ્પા મંદિરે પૂજા-અર્ચના કરવા માટે આવી રહ્યા હતા. આ દરમિયાન રામગઢના પૈંકી પાસે NH-33 પર કારની કોઈ અજાણ્યા વાહન સાથે જોરદાર ટક્કર થઈ હતી.

અજાણ્યા વાહન સાથેની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળ્યો

આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મૃતકોમાં 4 બાળકો, 4 મહિલા અને 5 પુરુષોનો સમાવેશ

પોલીસના જણાવ્યા મુજબ, આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા 13 લોકોમાં 4 બાળકો, 4 મહિલા અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિને સારવાર અર્થે સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

રામગઢના SDPO આલોક રંજને જણાવ્યું કે, મૃતકો નાલંદા જિલ્લાના રહેવાસી હતા. ઘટનાસ્થળેથી મળેલા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે કેટલાક મૃતકોની ઓળખ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.