India

સામાન્ય પ્રજાને તહેવારો ટાણે મોટો ઝટકો, દૂધના ભાવમાં રૂ.8 સુધીનો વધારો થશે, આ રાજ્ય સરકારે આપી મંજૂરી

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
કર્ણાટક સરકારે કેબિનેટ બેઠકમાં નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર 8 રૂપિયાનો વધારો મંજૂર કર્યો છે. દૂધ યુનિયનોની માંગણી પર આ નિર્ણય લેવાયો છે, જોકે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધશે. MLC ચૂંટણીને કારણે આચારસંહિતા અમલમાં હોવાથી, ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ જ નવા ભાવો લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સામાન્ય પ્રજાને તહેવારો ટાણે મોટો ઝટકો, દૂધના ભાવમાં રૂ.8 સુધીનો વધારો થશે, આ રાજ્ય સરકારે આપી મંજૂરી

Nandini Milk Price Hike : કર્ણાટક સરકારે કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેતા નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર 8 રૂપિયા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી મિલ્ક યુનિયનોમાં ખુશીનો માહોલ છે, જ્યારે બીજી તરફ મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધશે. જોકે, આ નવા ભાવ ક્યારથી લાગુ થશે તે અંગે હજુ સુધી અંતિમ તારીખ જાહેર કરવામાં આવી નથી.

મિલ્ક યુનિયનોની માંગ પર સરકારે લીધો નિર્ણય

કર્ણાટકના મિલ્ક યુનિયનોએ દૂધના ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે સરકાર સમક્ષ ભાવમાં 8થી 10 રૂપિયા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પ્રતિ લિટર 8 રૂપિયાના વધારાને સમર્થન આપ્યું હતું, જેના પગલે કેબિનેટે આ દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી દીધી છે.

ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ જ નવા ભાવ લાગુ થશે

કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ હોવા છતાં આ ભાવવધારો અત્યારે જ લાગુ નહીં થાય. રાજ્યમાં MLC ચૂંટણીઓને કારણે હાલમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. આથી સરકાર આચારસંહિતા દરમિયાન ચૂંટણી પંચની પરવાનગી વગર ભાવ વધારી શકે નહીં. ચૂંટણી પંચ તરફથી મંજૂરી મળ્યા પછી જ ગ્રાહકો માટે નવી કિંમતો લાગુ કરવામાં આવશે.

સામાન્ય જનતાના ઘરનું બજેટ ખોરવાશે

દૂધ રોજીંદી અને અનિવાર્ય જરૂરિયાત હોવાથી પ્રતિ લિટરે સીધો 8 રૂપિયાનો વધારો સામાન્ય નાગરિકોના દૈનિક બજેટ પર સીધી અસર કરશે. ચા, કોફીથી લઈને બાળકોના દૂધ પાછળ થતો રોજિંદો ખર્ચ વધી જશે, જેના કારણે મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોમાં મોંઘવારીની ચિંતા વધી ગઈ છે.