India

લોકસભા સ્પીકરને જવાબ ન આપનારા સાયોની ઘોષ સહિત 20 સાંસદોના પદ છીનવાશે?

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં TMC છોડી NCPIમાં જોડાયેલા 20 બળવાખોર સાંસદોની મુશ્કેલીઓ વધી છે. લોકસભા સ્પીકર સમક્ષ જવાબ આપવાની ડેડલાઇન ચૂકી ગયા બાદ, તેમણે 15 દિવસનો વધુ સમય માંગ્યો છે. આ પહેલા પણ તેમને ત્રણ વખત મુદ્દત લંબાવી અપાઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્પીકરને 3 મહિનામાં નિર્ણય લેવા ટકોર કરી હતી. સાયોની ઘોષ અને યુસુફ પઠાણ સહિતના સાંસદો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહીની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકસભા સ્પીકરને જવાબ ન આપનારા સાયોની ઘોષ સહિત 20 સાંસદોના પદ છીનવાશે?
IMAGE - IANS

West Bengal Political Crisis: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો હતો, જ્યાં 60થી વધુ ધારાસભ્યોએ અલગ જૂટ બનાવવાની જાહેરાત કરી હતી અને 20 સાંસદો અલગ થઈને નેશનલિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં જોડાઈ ગયા હતા. આ તમામ બાકી સાંસદો, જેમાં સાયોની ઘોષ અને યુસુફ પઠાણ સહિતના નેતાઓ સામેલ છે, તેમની મુશ્કેલીઓમાં વધારો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

સ્પીકર સમક્ષ જવાબ આપવાની ડેડલાઇન ચૂકી ગયા

લોકસભા સ્પીકર સમક્ષ જવાબ રજૂ કરવા અંગેની મુદ્દત પૂર્ણ થતાં, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને નેશનલિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં જોડાયેલા 20 બળવાખોર સાંસદોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પીકર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા પૂરી થયા બાદ આ સાંસદોએ જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા માટે વધુ બે સપ્તાહનો (15 દિવસનો) સમય લંબાવવાની માંગ કરી છે. ખાસ વાત એ છે કે અગાઉ પણ નોટિસનો જવાબ આપવા માટે તેમને ત્રણ વખત સમયમર્યાદા વધારી આપવામાં આવી ચૂકી છે. કાકોલી ઘોષ દસ્તીદાર, સુદીપ બંધોપાધ્યાય અને જગદીશ ચંદ્ર વર્મા બાસુનિયા સહિતના સાંસદો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવાની માંગ કરતી અરજીઓ દાખલ કરાઈ છે, જેને લઈને આગામી સમયમાં સ્પીકર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

સુપ્રીમ કોર્ટની ટકોર અને અયોગ્યતાનો મુદ્દો

મમતા બેનરજીનો સાથ છોડીને NCPIમાં સામેલ થનાર આ સાંસદો સામે પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર કરવાની માંગ સાથે લોકસભામાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. TMC નેતા અભિષેક બેનરજી દ્વારા જૂન મહિનામાં લોકસભા અધ્યક્ષ સમક્ષ આ અરજીઓ દાખલ કરાઈ હતી.

આ મામલે સુપ્રીમ કોર્ટે સ્પીકરને વહેલી તકે નિર્ણય લેવા માટે ટકોર કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ બાગચીની બેન્ચે કેશમ મેઘચંદ્ર સિંહ વિરુદ્ધ મણિપુર વિધાનસભા અધ્યક્ષ (2020) ના કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, દસમી અનુસૂચિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આવા મામલાઓમાં અધ્યક્ષ દ્વારા યોગ્ય સમયમાં, બને તેટલું વહેલું એટલે કે 3 મહિનાની અંદર નિર્ણય લેવો જોઈએ. હાલ લોકસભાના રેકોર્ડ્સમાં આ તમામ નેતાઓ હજુ પણ તૃણમૂલ કોંગ્રેસના સભ્ય તરીકે જ નોંધાયેલા છે, અને સ્પીકરના આગામી નિર્ણય પર સૌની નજર છે.