આ કેવો ન્યાય? હાઈકોર્ટે દોષિત ઠેરવ્યા, જેલ ભોગવ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP 1977 criminal case: કહેવાય છે કે સમયસર ન્યાય ના મળે તો તે અન્યાય સમાન ગણાય છે. સુપ્રીમ કોર્ટે 49 વર્ષ જૂના એક કેસમાં ત્રણ આરોપીઓને છોડી મૂક્યા હતા. જો કે જે ત્રણ આરોપીઓને છોડી મૂક્યા તેમાંથી એક આજીવન કેદની સજા કાપી ચૂક્યો હતો. સુપ્રીમે હવે તેને નિર્દોષ જાહેર કર્યો સાથે જ સ્પષ્ટતા કરી હતી કે આરોપીની અપીલ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા ભૂલ થઈ હતી.
1977નો હત્યા કેસ અને ટ્રાયલ કોર્ટનો ચુકાદો
ઉત્તર પ્રદેશમાં 1977માં થયેલી હત્યાના એક મામલામાં 3 આરોપીઓને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, જેની સામે આરોપીઓ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. જોકે અલ્લાહાબાદ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. હાઇકોર્ટના ચુકાદા સામે બાદમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મેહરાની બેંચે સુનાવણી દરમિયાન ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે આ કેસમાં 3 આરોપીઓમાંથી 2ના મોત થઈ ચૂક્યા છે જ્યારે એક આરોપી હીરાલાલ આજીવન કેદની સજા કાપી ચૂક્યો છે.
2013માં જામીન અરજી ફગાવાઈ
સુપ્રીમ કોર્ટે શંકાનો લાભ આપીને આરોપીઓને મુક્ત કર્યા હતા. આ કેસમાં હીરાલાલ શરૂઆતથી જ પોતાની જાતને નિર્દોષ ગણાવતા આવ્યા હતા. વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે અન્ય 2 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા, પરંતુ તે સમયે હીરાલાલની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ કારણે તેમણે જેલમાં જ રહેવું પડ્યું હતું. જોકે, બાદમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સજા માફી મળતા તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા.
ચુકાદામાં તપાસની મોટી ખામીઓનો ઉલ્લેખ
હવે સુપ્રીમે હીરાલાલને પણ નિર્દોષ જાહેર કર્યા છે. સુપ્રીમે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આ મામલામાં ઘણી ખામીઓ હતી, બચાવપક્ષ દ્વારા જે પણ દલીલો કરવામાં આવી તેને કાલ્પનિક અથવા માત્ર અટકળોવાળી ગણાવીને રદ ના કરી શકાય. આ કેસમાં માત્ર આરોપીઓ પર શંકા સિવાય કોઈ વિશેષ પુરાવો કે સાક્ષીઓ નથી મળ્યા જેને પગલે શંકાનો લાભ આપીને તમામ આરોપીઓને છોડવામાં આવે છે.
જન્મટીપ ભોગવ્યા બાદ નિર્દોષ જાહેર કરવો ન્યાયતંત્રની મજાક સમાન!
ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને વર્ષો સુધી કેદ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા હોય તેવા ઘણા કેસો સામે આવી રહ્યા છે. તાજેતરનો ઉત્તર પ્રદેશનો કેસ કે જેમાં એક વ્યક્તિને ટ્રાયલ કોર્ટ દોષિત ઠેરવે છે જેને હાઇકોર્ટ પણ યોગ્ય ઠેરવે છે પણ સુપ્રીમ કોર્ટ 45 વર્ષે નિર્દોષ છોડે છે.
આ કેસે આપણા ન્યાયતંત્ર પર પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે કે આ કેવી વ્યવસ્થા છે જેમાં આટલા વર્ષો બાદ કોઈ વ્યક્તિને નિર્દોષ છોડવામાં આવે છે. તેને કેદ રાખીને તેના માનવ અધિકારોનો ભંગ કરાયો તેના માટે કોઈ જ જવાબદાર નહીં? નિર્દોષ હોવા છતાં વર્ષો સુધી કેદ રહેવાથી તેનું આખું જીવન જ બરબાદ થઈ જાય છે. આવા સમયે લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે, આ તે કેવો ન્યાય! ટ્રાયલ કોર્ટ દોષિત ઠેરવે, હાઇકોર્ટ દોષિત ઠેરવે તેને સુપ્રીમ કોર્ટ નિર્દોષ છોડે છે.
વાસ્તવિકતામાં આવા ચુકાદા ન્યાયતંત્રની મોકરી સમાન છે, મજાક છે. આવા હાસ્યાસ્પદ ચુકાદાઓ માટે જે તે ન્યાયાધીશ કસૂરવાર ઠરવા જોઈએ! લોકતંત્રમાં ન્યાયતંત્ર મજાક બની જશે તો ક્રિમિનલ લોનું આધિપત્ય સમાજમાં વધી જશે કારણ કે ન્યાયાધીશો જે ચુકાદા આપે તેને માટે તેઓ જવાબદાર જ નથી!









