India

'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણે વિદિશાના કોસમી ગામમાં ગરીબોના ઘર, પાક અને કૂવા તોડવાની બુલડોઝર કાર્યવાહી સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ કાર્યવાહીને 'જુલમ અને અન્યાયની પરાકાષ્ઠા' ગણાવી. શિવરાજે અધિકારીઓને સંવેદનહીન ગણાવ્યા, પીડિતોને મળી નવા ઘર બનાવવાની ખાતરી આપી. કોંગ્રેસે આ મામલે મોહન યાદવ અને શિવરાજ વચ્ચેની આંતરિક ખેંચતાણનો આક્ષેપ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
IMAGE - IANS

Shivraj Singh Chouhan Slams Demolition Drive in Vidisha: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના જ સંસદીય ક્ષેત્ર વિદિશાના કોસમી ગામમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ કાર્યવાહીને 'જુલમ અને અન્યાયની પરાકાષ્ઠા' ગણાવી છે. ભાજપ શાસિત રાજ્યના વન વિભાગ અને જિલ્લા પ્રશાસન પર આદિવાસી બહુલ કોસમી ગામમાં ગરીબ પરિવારોના ઘર તોડી પાડવા, પાક નષ્ટ કરવાનો અને કૂવાઓને માટીથી ભરી દેવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગરીબ પરિવારોની કરુણ સ્થિતિ

બુધની વિધાનસભા ક્ષેત્રના આ ગામમાં થયેલી કાર્યવાહીની માહિતી મળતા જ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તાત્કાલિક કોસમી પહોંચ્યા હતા અને પીડિત પરિવારોને મળ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 'સવાર સુધી જે ઘર આબાદ હતા, જ્યાં બાળકોની કિલકારીઓ ગુંજતી હતી, ત્યાં હવે બાળકોની ચીખો સંભળાઈ રહી છે. મહિલાઓ છાતી પીટીને રડી રહી છે. તેમના ઘર તોડી દેવાયા, પાક કચડી નાખવામાં આવ્યો અને કૂવાઓ પૂરી દેવાયા.' તેમણે આ કાર્યવાહી કરનાર અધિકારીઓને સંવેદનશૂન્ય ગણાવતા કહ્યું કે આ અન્યાયની પરાકાષ્ઠા છે અને ભગવાન પણ તેમને માફ નહીં કરે.

કામચલાઉ રહેવા-જમવાની વ્યવસ્થાની ખાતરી

ઘટનાસ્થળેથી જ શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના મુખ્ય સચિવ અશોક વર્ણવાલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ હેમંત ખંડેલવાલને ફોન કરીને સમગ્ર મામલે કડક વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગરીબ પરિવારોને બેઘર કરનારાઓને માફ કરવામાં આવશે નહીં. શિવરાજ સિંહે વચન આપ્યું કે જે પરિવારોના ઘર તોડવામાં આવ્યા છે, તેમના માટે નવા ઘર બનાવવામાં આવશે અને જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમના ખાવા-પીવા તથા રહેવાની કામચલાઉ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. ઘટનાસ્થળે વન વિભાગ કે પ્રશાસનનો કોઈ મોટો અધિકારી હાજર ન હોવા પર પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

મોહન યાદવ અને શિવરાજ સિંહ વચ્ચેની આંતરિક ખેંચતાણ

આ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે આ પ્રકરણને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચેની આંતરિક ખેંચતાણ ગણાવી છે. કોંગ્રેસ નેતા સિંઘારે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારની આંતરિક લડાઈ અને ખેંચતાણના કારણે સીહોરના કોસમી ગામમાં બેરેલા આદિવાસી સમુદાયના પરિવારોના મકાનો તોડીને તેમની રોજીરોટી છીનવાઈ રહી છે અને ગરીબો મુશ્કેલીમાં મુકાયા છે.