India

દાદાની જમીન પર પૌત્રનો અધિકાર હોય કે નહીં?, રાજસ્થાન હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

By GS Team
10 Sep 20263 mins read
TukuTouch Logo
રાજસ્થાન હાઈકોર્ટે જમીન સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું કે, દાદાની વસિયત વિનાની મિલકત પુત્રને મળે તો તે તેની અંગત મિલકત ગણાશે. જેસલમેરના 75 વીઘા જમીનના કેસમાં, ખેતારામે પિતા ચુતરા રામ પાસેથી મળેલી જમીન વેચતા, તેમના પુત્ર દેવારામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પૌત્ર દાદાની જમીન પર જન્મસિદ્ધ હક દર્શાવી શકશે નહીં, કારણ કે પિતાના જીવતેજીવ તે મિલકત વેચવા સામે વાંધો લઈ શકાય નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

દાદાની જમીન પર પૌત્રનો અધિકાર હોય કે નહીં?, રાજસ્થાન હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
IMAGE - IANS

Rajasthan High Court: પિતાના જીવિત હોવા છતાં શું પૌત્ર દાદાની જમીન કે મિલકત પર પોતાનો હક દર્શાવી શકે? રાજસ્થાન હાઇકોર્ટે જમીન સંબંધિત એક અત્યંત મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી કરતી વખતે આ અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર દાદાની મિલકત હોવાના આધારે જ પૌત્ર તેના પર પોતાનો જન્મસિદ્ધ કે પેતૃક અધિકાર દર્શાવી શકતો નથી. જો દાદાનું અવસાન વસિયતનામું (વિલ) બનાવ્યા વિના થાય અને તેમની સંપત્તિ 'હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956'ની કલમ 8 હેઠળ પ્રથમ વર્ગના વારસદારોને મળે, તો પુત્રના હિસ્સામાં આવેલી જમીન તેની અંગત મિલકત ગણાશે. આવી સ્થિતિમાં પિતાના જીવતેજીવ પુત્ર કે પૌત્ર તે મિલકત વેચવા સામે કોઈ વાંધો ઉઠાવી શકે નહીં.

શું છે જેસલમેરની 75 વીઘા જમીનનો સમગ્ર વિવાદ?

આ કેસ રાજસ્થાનના જેસલમેર સ્થિત 75 વીઘા જમીન સાથે જોડાયેલો છે. રાજસ્થાન લેન્ડ રેવેન્યુ એક્ટ 1956 હેઠળ સરકાર દ્વારા આ જમીન ચુતરા રામ નામના વ્યક્તિને ફાળવવામાં આવી હતી. 24 એપ્રિલ 2004ના રોજ ચુતરા રામનું કોઈ પણ વસિયતનામું કર્યા વગર નિધન થયું હતું. તેમના અવસાન બાદ આ જમીન તેમના ત્રણ પુત્રો ખેતારામ, રામારામ અને લચ્છુરામ વચ્ચે સરખા ભાગે વહેંચાઈ ગઈ હતી.

દાદાના અવસાનના આશરે 21 વર્ષ પછી, 17 એપ્રિલ 2025ના રોજ ખેતારામે પોતાના ભાઈઓ સાથે મળીને આ જમીન મધ્ય પ્રદેશના એક ખરીદદારને વેચી દીધી હતી. ખેતારામના પુત્ર દેવારામે આ વેચાણનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે જમીનમાં તેનો પણ 1/9 મો ભાગ છે અને તેની મંજૂરી વિના જમીન વેચી શકાય નહીં. આ મામલો રાજસ્થાન હાઇકોર્ટ પહોંચ્યો હતો, પરંતુ 20 ઓગસ્ટ 2026ના રોજ હાઇકોર્ટે દેવારામની અપીલ ફગાવી દીધી હતી.

દાદાની જમીન પર પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર કેમ નથી?

હાઇકોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન એ હતો કે શું ચુતરા રામની આ જમીન તેમના પૌત્ર દેવારામ માટે પેતૃક સંપત્તિ ગણાય કે નહીં. કોર્ટે નોંધ્યું કે દેવારામ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો કે આ જમીન હિન્દુ અવિભક્ત પરિવાર (HUF)ની મિલકત હતી અથવા ચુતરા રામે તેને HUFના કર્તા તરીકે રાખી હતી. માત્ર પરિવારમાં જમીન દાદા પાસેથી પિતા અને પછી પુત્ર પાસે આવવાથી તે આપોઆપ પેતૃક સંપત્તિ બની જતી નથી. જો કલમ 8 હેઠળ મિલકત પુત્રને મળે છે, તો તે તેને પોતાની વ્યક્તિગત ક્ષમતામાં પ્રાપ્ત થાય છે. તેથી પિતા ખેતારામના જીવતેજીવ દેવારામ તે હિસ્સા પર પોતાનો જન્મસિદ્ધ અધિકાર બતાવી શકે નહીં.

સગીર હોવાની દલીલ પણ ન ચાલી

સુનાવણી દરમિયાન દેવારામે એવી દલીલ પણ કરી હતી કે જ્યારે તેના દાદાનું અવસાન થયું ત્યારે તે સગીર હતો. જોકે, કોર્ટે આ દલીલ પણ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વારસદારનું સગીર હોવું એ વારસાઈ હક ખૂલવાની કે મિલકત કાનૂની રીતે વારસદારોને ટ્રાન્સફર થવાની પ્રક્રિયાને બદલી શકતું નથી.

જમીન વેચતા પહેલાં પૌત્રની મંજૂરી જરૂરી નથી

રાજસ્થાન હાઇકોર્ટના આ કાનૂની નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે દાદા પાસેથી પિતાને મળેલી દરેક મિલકત પૌત્ર માટે પેતૃક સંપત્તિ હોતી નથી. જો પિતાને આ સંપત્તિ કલમ 8 મુજબ મળી હોય અને તે HUF સાબિત ન થઈ હોય, તો પિતા તેના પૂર્ણ માલિક ગણાય છે. આ કિસ્સામાં કોર્ટે સુપ્રીમ કોર્ટના ઉત્તમ વિ. સૌભાગ સિંહ (2016)ના ચૂકાદાના સિદ્ધાંતોનો પણ સંદર્ભ આપ્યો હતો. વધુમાં, કૃષિ જમીનમાં ખાતેદારી અધિકાર માટે મહેસૂલી અદાલતની ભૂમિકા મહત્ત્વની હોય છે, જ્યારે દેવારામે અગાઉ મહેસૂલી કોર્ટમાંથી પોતાનો ખાતેદારી અધિકાર પણ જાહેર કરાવ્યો ન હોવાથી તેની સિવિલ અરજી કોર્ટમાં ટકી શકી નહોતી.