India

'આ કોઈ એક પક્ષની લડાઈ નથી', વોટ ચોરી વિરુદ્ધ રેલી માટે રાહુલ ગાંધીની અપીલ, કહ્યું- લોકશાહી બચાવવા એક થાઓ

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી 'ચલો દિલ્હી રામલીલા માર્ચ'માં જોડાવા દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે આ આંદોલનને લોકશાહી, બંધારણની રક્ષા અને 'વોટ ચોરી' અટકાવવા માટેનું રાષ્ટ્રીય આંદોલન ગણાવ્યું. રાહુલ ગાંધીએ પોલીસ કાર્યવાહીથી ન ડરવા અને દેશની આત્મા બચાવવા સાથે મળીને લડવા હાકલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આ કોઈ એક પક્ષની લડાઈ નથી', વોટ ચોરી વિરુદ્ધ રેલી માટે રાહુલ ગાંધીની અપીલ, કહ્યું- લોકશાહી બચાવવા એક થાઓ
IMAGE - IANS

Rahul Gandhi Ramlila March: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના નાગરિકોને 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા 'ચલો દિલ્હી રામલીલા માર્ચ'માં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે. તેમણે આંદોલનને માત્ર કોઈ એક રાજકીય પક્ષ પૂરતું મર્યાદિત ન ગણાવતા તેને લોકશાહી, બંધારણની રક્ષા અને 'વોટ ચોરી' અટકાવવા માટેનું રાષ્ટ્રીય આંદોલન ગણાવ્યું છે.

રાહુલ ગાંધીનો સંદેશ: લોકશાહી અને બંધારણનું રક્ષણ

સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ શેર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય મતોની ચોરી અટકાવવાનો અને લોકશાહીને બચાવવાનો છે. જે લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમારથી ત્રાસી ગયા છે અને લોકશાહી તથા બંધારણની રક્ષા કરવા માગે છે, તે તમામ લોકો આ માર્ચમાં આવે. આ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ દેશની આત્માને બચાવવાની લડાઈ છે.'

પોલીસ કાર્યવાહીથી ન ડરવા અપીલ

આંદોલનકારીઓને પોલીસ કાર્યવાહી કે લાઠીચાર્જથી ન ડરવા તાકીદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પોલીસ કે લાઠીઓની ચિંતા કરવાની જરૂર નથી. ભાજપમાં એટલી તાકાત નથી કે તેઓ પોતાની કોઈ દાનત પાર પાડી શકે. આપણે સૌએ સાથે મળીને દેશના બંધારણ અને રાષ્ટ્રની રક્ષા માટે આગળ વધવાનું છે, તેથી ગભરાવાની જરૂર નથી.'

વિભિન્ન વિચારધારાના વિદ્યાર્થીઓને જોડાવવા આમંત્રણ

રાહુલ ગાંધીએ વિવિધ રાજકીય વિચારધારા ધરાવતા વિદ્યાર્થી સંગઠનોને પણ અપીલ કરી છે કે, જો તેમને લાગતું હોય કે દેશ પર કે તેમની અભિવ્યક્તિ અને વિચારો પર હુમલો થઈ રહ્યો છે, તો તેઓ પક્ષીય ભેદભાવ ભૂલીને આ માર્ચમાં જોડાય.

કોંગ્રેસ અને 'ઈન્ડિયા' ગઠબંધનની રણનીતિ

દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી આ ભવ્ય રેલી દ્વારા કોંગ્રેસ અને 'ઈન્ડિયા' ગઠબંધન પોતાની તાકાત પ્રદર્શિત કરવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે આ મામલે ગઠબંધનના સાંસદો સાથે બેઠકો યોજી રહ્યા છે. આ અગાઉ શુક્રવારે 'મોક પાર્લિયામેન્ટ' (પ્રતીકાત્મક સંસદ) યોજવામાં આવશે, જેમાં મુખ્ય ચૂંટણી ક્યુમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે પ્રતીકાત્મક 'મહાભિયોગ' ચલાવવાની યોજના છે, ત્યારબાદ 1 નવેમ્બરે આ વિશાળ રેલી યોજાશે.