India

OBC અનામત કાપી મુસ્લિમોને આપવા માંગે છે કોંગ્રેસ: બંધારણ દિવસે PM મોદીનો વિપક્ષ પર પ્રહાર

By GS Team
26 Nov 20263 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ 26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ OBC અનામતમાં ઘટાડો કરીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે, જે બાબાસાહેબ આંબેડકરના વિરુદ્ધ હતું. પીએમ મોદીએ મહિલા અનામત બિલનો વિરોધ કરવા બદલ પણ વિપક્ષને ઘેર્યો હતો. તેમણે વિપક્ષને 'અવરોધ પક્ષ' ગણાવી, બંધારણીય મૂલ્યો પ્રત્યે ઓછા સન્માનની ટીકા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

OBC અનામત કાપી મુસ્લિમોને આપવા માંગે છે કોંગ્રેસ: બંધારણ દિવસે PM મોદીનો વિપક્ષ પર પ્રહાર
IMAGE - IANS

PM Modi on Constitution Day:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ પોતાની વેબસાઈટ પર પ્રકાશિત એક લેખમાં મોટો આરોપ લગાવ્યો છે કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી OBC અનામતમાં ઘટાડો કરીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. જોકે તેમણે સીધું કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનું નામ લીધું નથી, પરંતુ તેમનો ઈશારો કોંગ્રેસ તરફ હોવાનું સ્પષ્ટ જણાય છે.

પીએમ મોદીએ લખ્યું કે, 'બાબાસાહેબ આંબેડકર આના સખત વિરોધમાં હતા.' આ લેખમાં તેમણે દેશવાસીઓને બંધારણનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે, 'અમારી સરકારે એક દાયકા પહેલાં આજના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.'

પીએમ મોદીએ ભાજપ સરકાર દ્વારા કરાયેલા બંધારણીય સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, 'તેનાથી લોકોના જીવનમાં મોટા ફેરફારો આવ્યા છે, જેમાં GST અને EWS માટેના 10 ટકા અનામતના સુધારાઓનો ખાસ ઉલ્લેખ કર્યો. હાલની વ્યવસ્થા મુજબ કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની જોગવાઈ છે.'

મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર નિશાન

મહિલા અનામતના મુદ્દા પર પણ પીએમ મોદીએ વિપક્ષને ઘેર્યો હતો. તેમણે કહ્યું કે, 'આપણા બંધારણની સફર એ અસાધારણ મહિલાઓના સ્મરણ વિના અધૂરી છે, જેમણે તેને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં જે થયું, તેણે આપણાં સૌને શરમાવી દીધા છે. નારીશક્તિને ધારાકીય સંસ્થાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા બિલને વિપક્ષના એક મુખ્ય પક્ષે પસાર થવા દીધું નહીં. ફરી એકવાર તેણે બતાવી દીધું છે કે બંધારણીય મૂલ્યો પ્રત્યે તેમના મનમાં કેટલો ઓછો આદર છે. હું દેશની નારીશક્તિને વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય અપાવવાના અમારા સંકલ્પને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં.'

વિરોધ પક્ષ નહીં, 'અવરોધ પક્ષ' બની ગયો છે વિપક્ષ

પીએમ મોદીએ કહ્યું કે, 'આપણા બંધારણીય લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા સ્પષ્ટ રીતે નક્કી છે, પરંતુ આજે વિપક્ષ અવરોધ પક્ષ બની ગયો છે. દુર્ભાગ્યવશ વિપક્ષની સૌથી મોટી પાર્ટી આજે વિરોધ પક્ષ કરતાં વધુ અવરોધ પક્ષ બનતી જઈ રહી છે. તેમણે સમજવું જોઈએ કે લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં અડચણ ઊભી કરવી, પોતાની બંધારણીય જવાબદારીઓ નિભાવવાનો વિકલ્પ ક્યારેય હોઈ શકે નહીં.'

હથિયારધારી નક્સલીઓ ખતમ, હવે માત્ર 'દિમાગી નક્સલી' બચ્યા છે: PM

નક્સલવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'દાયકાઓ સુધી દેશના અનેક ભાગોમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, નક્સલીઓએ બંદૂકના જોરે સૌથી ગરીબ વ્યક્તિને એ અધિકારોથી વંચિત રાખ્યો, જે આપણા બંધારણે તેમને આપ્યા છે. આ વર્ષે નક્સલવાદના ખાત્માથી મને વિશેષ સંતોષ મળ્યો છે. હવે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કોઈ ડર વિના પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી શકે છે. હથિયારધારી નક્સલીઓ સમાપ્ત થયા બાદ હવે માત્ર દિમાગી નક્સલીઓ બચ્યા છે. તેઓ આજના સમયની વાસ્તવિકતાઓથી જોજનો દૂર છે અને દેશની વિકાસયાત્રાને પાટા પરથી ઉતારવાના પ્રયાસોમાં સતત લાગેલા છે.'