India

દેશને આજે મળશે પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન, જાણો કયા બે સ્ટેશન વચ્ચે દોડશે, PM મોદી કરશે ઉદઘાટન

By GS Team
17 Jul 20263 mins read
TukuTouch Logo
આજે, 17 જુલાઈ, 2026ના રોજ ભારતીય રેલવે પ્રદૂષણમુક્ત યુગમાં પ્રવેશ કરશે. પીએમ મોદી જીંદ અને સોનીપત વચ્ચે દેશની પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. 10 ડબ્બાવાળી આ ટ્રેન 2,600 મુસાફરોને 75 kmphની ઝડપે લઈ જશે. આ ટ્રેન 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ડેવલપ થઈ છે, જે પર્યાવરણને અનુકૂળ અને ઓછો મેન્ટેનન્સ ખર્ચ ધરાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશને આજે મળશે પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન, જાણો કયા બે સ્ટેશન વચ્ચે દોડશે, PM મોદી કરશે ઉદઘાટન
IMAGE - IANS

India first Hydrogen Train: ભારતીય રેલવે આજે એક અત્યંત આધુનિક, પ્રદૂષણ મુક્ત અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટના નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે. પ્રદૂષણ ઘટાડવાની દિશામાં એક મોટું પગલું ઉઠાવતા, દેશની સૌપ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન (Hydrogen-Powered Train)નું આજે, 17 જુલાઈ, 2026ના રોજ પીએમ મોદી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

આ ખાસ ટ્રેન ઉત્તર રેલવેના જીંદ અને સોનીપત સ્ટેશન વચ્ચે દોડશે. રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે આ ટ્રેન એક મોટી ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે આ આખી ટ્રેનમાં એકસાથે આશરે 2,600 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે. સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ડેવલપ થયેલી આ ટ્રેનના કારણે ભારત હવે જર્મની, જાપાન, ચીન અને અમેરિકા જેવા વિશ્વના એ ગણતરીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ ટ્રેનોમાં હાઇડ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

2,600 મુસાફરોની ક્ષમતા અને 10 ડબ્બાની આધુનિક સફર

દરેક સામાન્ય મુસાફરો, નોકરીયાત વર્ગ અને સ્થાનિક લોકો માટે આ ટ્રેન એક ઉત્તમ અને આરામદાયક વિકલ્પ બનવા જઈ રહી છે:

  • વિશાળ ક્ષમતા: 10 ડબ્બા ધરાવતી આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે પીક અવર્સ (વધુ ભીડના સમય) દરમિયાન પણ 2,600 મુસાફરો એકસાથે સફર કરી શકે.
  • શાનદાર સ્પીડ: આ ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઓપરેટિંગ સ્પીડથી દોડશે, જ્યારે તેની મહત્તમ ડિઝાઇન સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે, જેનાથી મુસાફરોનો સમય બચશે.

કયા કયા સ્ટેશનો પર ઊભી રહેશે આ ટ્રેન?

આ હાઇડ્રોજન ટ્રેન જીંદ જંક્શન, ગોહાના જંક્શન અને સોનીપતને પરસ્પર જોડશે. રોજિંદા મુસાફરોની સગવડ માટે તેના રૂટ પર ઘણા મહત્ત્વપૂર્ણ હોલ્ટ આપવામાં આવ્યા છે. જેમાં જીંદ સિટી, પાંડુ પિંડારા જંક્શન, લલિત ખેડા હોલ્ટ, ભંભેવા, ઇસાપુર ખેડી હોલ્ટ, બુટાના હોલ્ટ, ખંદરાઈ હોલ્ટ, રભડા હોલ્ટ, લાઠ હોલ્ટ, મોહાના, બરવાસની હોલ્ટ અને સોનીપત ન્યૂ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

ડીઝલની ઝંઝટ ખતમ: હવે પ્રદૂષણ નહીં, પાણીની વરાળ નીકળશે

ટેક્નોલો]જીની દ્રષ્ટિએ આ ટ્રેન પરંપરાગત ડીઝલ ટ્રેનો કરતાં તદ્દન અલગ છે. તેમાંથી કોઈ ધુમાડો કે હાનિકારક ગેસ નીકળતો નથી, પરંતુ બાયપ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ અને ગરમી બહાર ફેંકાય છે. ટ્રેનમાં વીજળી પેદા કરવા માટે 'પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન ફ્યુઅલ સેલ' (PEMFC) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કેમિકલ રિએક્શન કરાવીને ઓનબોર્ડ (ટ્રેનની અંદર જ) વીજળી ઉત્પન્ન કરે છે. 1200 કિલોવોટ (kW)ના શક્તિશાળી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સિસ્ટમથી સજ્જ આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ ઓછો છે.

ડીઝલ કરતાં 3 ગણી વધુ પાવરફુલ ઊર્જા

ઊર્જા ક્ષમતાની વાત કરીએ તો હાઇડ્રોજન ડીઝલ કરતાં ઘણું વધારે કાર્યક્ષમ માનવામાં આવે છે. જ્યાં ડીઝલની ઊર્જા ક્ષમતા 43 મેગાજૂલ પ્રતિ કિલોગ્રામ છે, ત્યાં હાઇડ્રોજનની ક્ષમતા 120 મેગાજૂલ પ્રતિ કિલોગ્રામ છે. એટલે કે તે ડીઝલ કરતાં આશરે 3 ગણી વધુ ઊર્જા પ્રદાન કરે છે. રિસર્ચ, ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) તરફથી ટેકનિકલ મંજૂરી મળ્યા બાદ તૈયાર કરવામાં આવેલો આ પાયલોટ પ્રોજેક્ટ ભારતીય રેલવેના 'નેટ ઝીરો કાર્બન એમિશન' (શૂન્ય કાર્બન ઉત્સર્જન)ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. રેલવેએ આ ટ્રેનના સંચાલન માટે જીંદ-સોનીપત રૂટ પર હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સંપૂર્ણ તૈયાર કરી લીધું છે.