India

'મુંબઈ-ગોવા હાઈવેના ઉદઘાટનમાં નહીં જઉં, મને શરમ આવે છે...', નીતિન ગડકરીનું નિવેદન

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવેના 15 વર્ષના વિલંબ અંગે શરમ વ્યક્ત કરી છે. ગોવામાં તેમણે સ્વીકાર્યું કે પ્રોજેક્ટ પૂરો થવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો છે. ગડકરીએ જમીન સંપાદન અને ટેકનિકલ અડચણોને વિલંબ માટે જવાબદાર ઠેરવી. ઓક્ટોબરમાં તેઓ જાતે રૂબરૂ નિરીક્ષણ કરશે અને ઉદ્ઘાટન સમારોહમાં હાજરી નહીં આપે તેમ જણાવ્યું. 93-94% કામ પૂર્ણ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મુંબઈ-ગોવા હાઈવેના ઉદઘાટનમાં નહીં જઉં, મને શરમ આવે છે...', નીતિન ગડકરીનું નિવેદન
IMAGE - IANS

Mumbai-Goa highway: કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટમાં થયેલા અતિશય વિલંબને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ગોવામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું કે, 'આ પ્રોજેક્ટ પૂરો થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગી ગયો છે. આ વિલંબ બદલ મને શરમ અનુભવાતી હોવાથી હું આ હાઈવેના નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ તેના વિધિવત ઉદ્ઘાટન સમારોહમાં હાજરી નહીં આપું.'

વિલંબ પાછળ જમીન સંપાદન અને ટેકનિકલ અડચણો જવાબદાર

મુંબઈ-ગોવા હાઈવે મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેનો સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગ ગણાય છે. જોકે જમીન સંપાદનની જટિલ પ્રક્રિયા, ટેકનિકલ પડકારો અને અન્ય વિવિધ કારણોસર આ ડ્રીમ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદા કરતાં ખૂબ લાંબો ખેંચાઈ ગયો છે. આ વિલંબના કારણે સ્થાનિક રહીશો અને દરરોજ મુસાફરી કરતા લોકોએ વર્ષો સુધી ભારે હાલાકી અને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

આગામી ઓક્ટોબરમાં રૂબરૂ નિરીક્ષણ કરીશ: નીતિન ગડકરી

ઉત્તર પણજીમાં ટ્રાફિક જામ ઘટાડવાના હેતુથી તૈયાર કરાયેલા 5.15 કિલોમીટરના એલિવેટેડ રોડના લોકાર્પણ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ પોતાની પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું કે, 'આ હાઈવેનું ઉદ્ઘાટન કરવા માટે હવે હું કોઈ સારા મુહૂર્તની પ્રતીક્ષા કરતો નથી. આમ છતાં, બાકી રહેલું કામ સત્વરે પૂર્ણ થઈ જશે તેવી મને અપેક્ષા છે.'

તાજેતરની એક મીટિંગનો હવાલો આપતા તેમણે કહ્યું કે, 'હાઈવે નિર્માણનું 93-94 ટકા જેટલું કામ પૂરું થઈ ચૂક્યું છે. હવે આવતા ઓક્ટોબર માસમાં હું જાતે જ મુંબઈ ઍરપૉર્ટ પર ઊતરીને કાર મારફતે ગોવા જઈશ, જેથી હું રસ્તાની સ્થિતિ અને કામગીરીની ગુણવત્તાનું રૂબરૂ નિરીક્ષણ કરી શકું.'

15 વર્ષ પહેલાં શરૂ થયેલો પ્રોજેક્ટ હજુ પણ અપૂર્ણ

મુંબઈ-ગોવા વચ્ચેના જૂના ટુ-લેન હાઈવેને ફોર-લેનમાં રૂપાંતરિત કરવાનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્ષ 2011માં શરૂ કરવામાં આવ્યો હતો. આ ફોર-લેન માર્ગનો મુખ્ય હેતુ બંને શહેરો વચ્ચેના મુસાફરીના સમયને 12 કલાકથી ઘટાડીને માત્ર 6 કલાક કરવાનો હતો. આમ છતાં, આટલાં વર્ષો વીતી ગયા પછી પણ હાઈવેના કેટલાક અત્યંત મહત્ત્વના ભાગોનું કામ હજુ અટકેલું પડ્યું છે. આ ઉપરાંત, નિર્માણ પામેલા કેટલાક રસ્તાઓ પર પડેલી ખામીઓ અને નુકસાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં તેની કામગીરીની ગુણવત્તા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.