India

નાલાસોપારામાં અડધી રાતે 14મા માળે ભીષણ આગ, 2 મહિલાના મોત, 4 લોકોને ક્રેનથી બચાવાયા

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના નાલાસોપારા-વસઈ લિંક રોડ પર ઇમ્પીરિયલ બિલ્ડિંગના 14મા માળે મધ્યરાત્રિએ ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 50 વર્ષીય ફાલ્ગુની શાહ અને અશ્વિની પારકર નામના બે મહિલાઓના ધુમાડાથી ગૂંગળામણ થતા મોત નીપજ્યા હતા. અન્ય 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 45 મિનિટ સુધી ફસાયેલા 4 લોકોને ફાયર બ્રિગેડે ક્રેનથી બચાવ્યા. આગનું કારણ અકબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાલાસોપારામાં અડધી રાતે 14મા માળે ભીષણ આગ, 2 મહિલાના મોત, 4 લોકોને  ક્રેનથી બચાવાયા

Nalasopara Building Fire: મહારાષ્ટ્રના નાલાસોપારા-વસઈ લિંક રોડ પર આવેલી ઇમ્પીરિયલ બિલ્ડિંગની 14માં માળ પર મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરૂણ દુર્ઘટનામાં ધુમાડાના કારણે ગૂંગળામણ થવાથી બે મહિલાઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય છ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધરાતે બનેલી આ ઘટનાને કારણે આખી બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.

મૃતક મહિલાઓની ઓળખ અને હોસ્પિટલનું નિવેદન

આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને મહિલાઓની ઓળખ ફાલ્ગુની શાહ (ઉંમર 50 વર્ષ) અને અશ્વિની પારકર (ઉંમર 50 વર્ષ) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, બંનેના મોત આગને કારણે ફેલાયેલા ભારે ધુમાડાથી શ્વાસ રુંધાવાને કારણે થયા હોવાની પ્રબળ આશંકા છે. જો કે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

45 મિનિટ સુધી જીવના જોખમે મદદની રાહ જોતા ફસાયા ચાર લોકો

આગના પ્રકોપથી બચવા માટે બિલ્ડિંગમાં રહેલા ચાર લોકોએ બહારની બાજુએ બનેલી એક નાની જગ્યાનો આશરો લીધો હતો અને ત્યાં જ ફસાઈ ગયા હતા. આ લોકો જીવ બચાવવા માટે આશરે 40થી 45 મિનિટ સુધી મદદની રાહ જોતા રહ્યા હતા, કારણ કે ત્યાંથી સુરક્ષિત બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો.

ઘટનાની જાણ થતા જ વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ મોટી ક્રેનની મદદથી ભારે જહેમત ઉઠાવીને આ ચારેય લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

ફાયર બ્રિગેડ અને પોલીસની કામગીરી, આગનું કારણ અબંધ

ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ પણ હાજર રહી હતી અને આચોલે પોલીસ દ્વારા સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પૂર્વ મેયર રૂપેશ જાધવ પણ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

હાલ ઇમ્પીરિયલ બિલ્ડિંગમાં આગ કયા કારણોસર લાગી હતી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી તેમજ સંપત્તિને કેટલું નુકસાન થયું છે તેની વિગતો પણ હજુ સામે આવી નથી. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.