96% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ! વિદ્યાર્થિનીઓએ શરૂ કર્યો બહિષ્કાર, પાડોશી દેશમાં પણ ઉગ્ર દેખાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Azerbaijan School Hijab Ban Controversy 2026 : મુસ્લિમ બહુમતી ધરાવતા અઝરબૈજાનમાં સ્કૂલઓમાં હિજાબ પહેરવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. સરકાર દ્વારા ડ્રેસ કોડના નિયમોમાં ફેરફાર કરાયા બાદ હિજાબ પહેરીને સ્કૂલએ પહોંચેલી કેટલીક વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને વર્ગખંડમાં પ્રવેશ અપાયો નહોતો. આ નિર્ણયના વિરોધમાં અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓએ વર્ગોનો બહિષ્કાર કર્યો હોવાની સ્થાનિક માધ્યમોએ જાણકારી આપી હતી. આ મુદ્દે અઝરબૈજાનની બહાર, પડોશી દેશ તુર્કિયેમાં પણ વિરોધ પ્રદર્શન થયાં છે.
સ્કૂલઓના ડ્રેસ કોડમાં શું ફેરફાર થયો?
અઝરબૈજાન સરકારનું કહેવું છે કે સ્કૂલઓમાં તમામ વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડ હોવો જોઈએ. નવા નિયમોમાં હિજાબનો સીધો ઉલ્લેખ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ સરકારના ધર્મનિરપેક્ષ માળખા સાથે અસંગત ગણાતાં કપડાં પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સરકારે એમ પણ જણાવ્યું છે કે દેશની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ સાથે જોડાયેલાં કપડાં ખાસ પ્રસંગોએ પહેરી શકાય છે. જોકે, તેના માટે સ્કૂલની સંબંધિત સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે.
96 ટકા વસ્તી મુસ્લિમ, છતાં દેશ ધર્મનિરપેક્ષ
અઝરબૈજાનની આશરે 96 ટકા વસ્તી મુસ્લિમ છે. તેમાં શિયા મુસ્લિમોની બહુમતી છે, જ્યારે સુન્ની મુસ્લિમો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. આમ છતાં, દેશનું બંધારણ અઝરબૈજાનને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે ઓળખાવે છે અને નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. સરકાર સમાન ડ્રેસ કોડના અમલ પર ભાર મૂકી રહી છે, જ્યારે વિરોધ કરનારાઓનું કહેવું છે કે હિજાબ પહેરવો એ વ્યક્તિની ધાર્મિક આસ્થા અને અંગત પસંદગીનો વિષય છે.
શિક્ષિકાએ પણ વિરોધ નોંધાવ્યો
સ્થાનિક માધ્યમોના અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં સ્કૂલમાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થિનીઓ શિક્ષિકાઓને ભેટીને રડતી જોવા મળે છે. શિક્ષિકા ઝહરા હસાનોવાએ અલ જઝીરાને જણાવ્યું હતું કે તેમને હિજાબ પહેરીને સ્કૂલમાં આવવાની મંજૂરી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમના મતે, હિજાબ પહેરવો કે નહીં તે વ્યક્તિનો પોતાનો નિર્ણય હોવો જોઈએ.
જેલમાં બંધ પત્રકારની ભૂખ હડતાળ
અઝરબૈજાનની જેલમાં બંધ પત્રકાર પોલાદ અસલાનોવે પણ નવા નિયમોના વિરોધમાં ભૂખ હડતાળ શરૂ કરી હોવાનો અહેવાલ છે. તેમને 2020માં દેશદ્રોહના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, તેઓ 113 વર્ષની સજા ભોગવી રહ્યા છે. તેમની પત્ની ગુલમિરા અસલાનોવાના ફેસબુક ખાતા પર મૂકવામાં આવેલા સંદેશમાં તેમણે નાગરિકોના બંધારણીય અધિકારોના કથિત ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો હતો. દેશમાં ઇન્ટરનેટ બંધ કરાયાની પણ કેટલીક જાણકારી સામે આવી છે, જોકે ઇન્ટરનેટ પર નજર રાખતી સંસ્થાઓએ આ અહેવાલોની પુષ્ટિ કરી નથી.
તુર્કિયેમાં પણ વિરોધ
અઝરબૈજાનના નિર્ણય સામે તુર્કિયેના ઇસ્તાંબુલમાં અઝરબૈજાનના વાણિજ્ય દૂતાવાસની બહાર પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનકારીઓએ સરકારને નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગ કરી હતી. તુર્કિયેમાં કેટલાક લોકોએ આ ઘટનાની સરખામણી 1997ના સમયગાળા સાથે કરી છે, જ્યારે ત્યાં હિજાબ પહેરતી મહિલાઓને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવામાં પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો અને કેટલીક સરકારી કર્મચારીઓએ પણ નોકરી ગુમાવી હતી. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે પોતાની પાર્ટીની બેઠકમાં કહ્યું હતું કે કોઈએ તેમના દેશની જીવનશૈલીમાં દખલ કરવી જોઈએ નહીં. તેમણે તુર્કિયેનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ત્યાં થયેલાં વિરોધ પ્રદર્શનો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.




