રાજકારણમાં ફરી નવા-જૂનીના એંધાણ? શરદ પવારના સાંસદોની PM મોદી સાથે મુલાકાતથી હલચલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sharad Pawar MPs meet PM Modi: મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચાઓ શરુ થઈ છે. એક તરફ પ્રશાંત કિશોર અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર વચ્ચેની મુલાકાતો ચર્ચામાં છે, તો બીજી તરફ શરદ પવારની પાર્ટી અને ભાજપ વચ્ચે નિકટતા વધી રહી હોવાની અટકળો ચાલી રહી છે. આ જ ગરમાવા વચ્ચે શરદ પવાર જૂથના તમામ 8 લોકસભા સાંસદોએ સંસદ ભવનમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી, જે બેઠક આશરે અડધો કલાક સુધી ચાલી હતી.
મહારાષ્ટ્રના પડતર પ્રશ્નોને લઈને યોજાઈ બેઠક
સુપ્રિયા સુલેના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના લાંબા સમયથી પડતર અને ગંભીર મુદ્દાઓ તરફ વડાપ્રધાનનું ધ્યાન દોરવા માટે આ મુલાકાતનો સમય માંગવામાં આવ્યો હતો. સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત થતી હોવાથી સાંસદોએ સીધા વડાપ્રધાનને મળીને રાજ્યની સમસ્યાઓ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ બેઠકમાં સાંસદોએ રાજ્યમાં દુષ્કાળ, સિંચાઈની સમસ્યા, ખેડૂતોની આત્મહત્યા, ઝડપી શહેરીકરણ અને સ્થાનિક વિકાસ કાર્યો જેવા મુદ્દાઓ પર વડાપ્રધાન સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
મહાનુભાવો માટે 'ભારત રત્ન' અને ઍરપૉર્ટના નામકરણની માંગ
મુલાકાત દરમિયાન શરદ પવાર જૂથના સાંસદોએ વડાપ્રધાન મોદીને એક લેખિત આવેદનપત્ર સોંપ્યું હતું. સાંસદોએ મહાત્મા જ્યોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, શાહીર અન્ના ભાઉ સાઠે અને તુકડોજી મહારાજને 'ભારત રત્ન' આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત નવી મુંબઈ ઍરપૉર્ટનું નામ 'ડી. વાય. પાટીલ ઍરપૉર્ટ' રાખવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. સાંસદોએ સાંસદ નિધિ(MPLAD) ફંડ વાપરવામાં રાજ્ય સરકાર તરફથી પૂરતો સહયોગ ન મળતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. વડાપ્રધાને આ તમામ સમસ્યાઓ પર યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
બીજેપી નેતા નવનીત રાણાએ આ મુલાકાતનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, જો શરદ પવારની પાર્ટીના સાંસદો મહારાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ માટે વડાપ્રધાનને મળી રહ્યા હોય તો તેમાં કંઈ ખોટું નથી. રાજકીય અટકળો ગમે તે ચાલે, પરંતુ જો રાજ્યના વિકાસ માટે આ મુલાકાત થઈ હોય અને મીડિયામાં ચાલી રહેલી અટકળો સચ્ચાઈમાં બદલાય તો તે મહારાષ્ટ્ર અને રાજ્યના લોકોનું નસીબ હશે.









