રાજકારણમાં ફરી મોટો ઉલટફેર: શરદ પવારની NCP અને NDA વચ્ચે કઈ મોટી ડીલની ચાલી રહી છે તૈયારી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરી એકવાર મોટો ભૂકંપ આવવા જઈ રહ્યો છે? છેલ્લા એક અઠવાડિયાથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ જોર પકડી રહી છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(SP)ના વડા શરદ પવાર ભાજપ સાથે સંપર્ક સાધી રહ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હાઇકમાન્ડ શરદ પવારની પાર્ટીને એક સ્વતંત્ર પક્ષ તરીકે NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)માં સામેલ કરવા ઉત્સુક નથી. ભાજપની શરત છે કે ગઠબંધનમાં જોડાતાં પહેલા શરદ પવારની પાર્ટીએ સુનેત્રા પવારની આગેવાની હેઠળની NCP સાથે ફરી એકઠા થવું પડશે. આ સાથે જ ભાજપે શરદ પવારની પાર્ટીના ભાજપમાં વિલીનીકરણની શક્યતાઓને પણ સંપૂર્ણપણે નકારી કાઢી છે.
ભાજપે આપી મોટી ઓફર: પક્ષો એક થાય તો કેન્દ્રમાં મંત્રીપદ
શિવસેના અને એનસીપી(NCP)માં પડેલા ભાગલા બાદ મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ભાજપ સારી રીતે જાણે છે કે જો શરદ પવારની પાર્ટીને અલગથી ગઠબંધનમાં લાવવામાં આવે તો તેના વર્તમાન સહયોગી પક્ષોમાં અસંતોષ અને અસ્થિરતા ઊભી થઈ શકે છે. આ સ્થિતિને ટાળવા માટે ભાજપે એક મોટી ઓફર આપી છે કે જો એનસીપીના બંને જૂથો ફરી એક થઈ જાય, તો આગામી સમયમાં બંને જૂથોમાંથી એક-એક નેતાને કેન્દ્ર સરકારમાં મંત્રીપદ આપવા અંગે વિચારણા થઈ શકે છે.
સંસદમાં ભાજપને કેવી રીતે થશે ફાયદો?
આ રાજકીય ગતિવિધિઓ એવા સમયે સામે આવી છે જ્યારે શરદ પવારની પાર્ટીએ સીમાંકન બિલ (Delimitation Bill) પર નરમ વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે. આ બિલ મહિલા અનામત કાયદા સાથે જોડાયેલું છે, જેના દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 850 કરવાની યોજના છે. જો શરદ પવારની પાર્ટી NDAમાં જોડાય છે, તો ભાજપ સંસદમાં બે-તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચી જશે, જે બંધારણીય સુધારા બિલ પસાર કરવા માટે અનિવાર્ય છે. આ જ બહુમતીના અભાવે નરેન્દ્ર મોદી સરકાર એપ્રિલમાં સંસદના વિશેષ સત્ર દરમિયાન આ બિલ પસાર કરી શકી ન હતી.
જોકે, ત્યારપછી સંસદનું ગણિત બદલાયું છે. તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદો નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા(NCPI)માં જોડાઈને NDAને સમર્થન આપી ચૂક્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદો પણ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. હાલમાં શરદ પવારની પાર્ટી પાસે લોકસભામાં 8 અને રાજ્યસભામાં 1 બેઠક છે.
સુપ્રિયા સુલે અને શરદ પવારનું રહસ્યમય વલણ
NCP(SP)એ હજુ સુધી ભાજપને સમર્થન આપવા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે જો પ્રસ્તાવિત સીમાંકન તમામ રાજ્યોમાં સમાન રીતે 50% બેઠકો વધારવા પર આધારિત હોય, તો તેનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. જોકે, તેમણે NDAમાં જોડાવાની અટકળોને ફગાવતાં વળતો પ્રહાર કર્યો કે, મીડિયા છેલ્લા 12 વર્ષથી મારા મંત્રીપદના શપથ લેવડાવી રહ્યું છે. બીજી તરફ, શનિવારે જ્યારે શરદ પવારને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે, 'આ અત્યારે વાત કરવાનો વિષય નથી.'
દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુપ્ત બેઠકોનો દોર
તાજેતરમાં શરદ પવારે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી, જે બાદ આ રાજકીય અટકળો શરૂ થઈ હતી. વધુમાં, ચાલુ સપ્તાહે એનસીપીના બંને જૂથના વરિષ્ઠ નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસ સાથે મોડી રાત્રે ગુપ્ત બેઠકો યોજી હતી, જેમાં શરદ પવાર જૂથ તરફથી જયંત પાટીલ હાજર રહ્યા હતા. સુપ્રિયા સુલેએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે પાટીલ માત્ર મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ સામેની કાર્યવાહી અંગે ચર્ચા કરવા સત્તાવાર રીતે મળ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પણ દાવો કર્યો છે કે ભાજપ સીમાંકન બિલ માટે NCP(SP) અને DMKનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
અજીત પવારના અવસાન બાદ પાર્ટીમાં આંતરિક જૂથવાદ વધ્યો
જાન્યુઆરી મહિનામાં વિમાન અકસ્માતમાં અજીત પવારના આકસ્મિક અવસાન બાદ NCPમાં સત્તાની લડાઈ વધુ તીવ્ર બની છે. આ ચર્ચાઓથી એનસીપીના વડા સુનેત્રા પવાર ભારે અસહજતા અનુભવી રહ્યા છે. પક્ષનો એક મોટો વર્ગ સુનેત્રા અને અજીત પવારના પુત્ર પાર્થ પવારને કેન્દ્રીય કેબિનેટમાં મોકલવાનો પક્ષધર છે, જ્યારે બીજી તરફ રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ અને મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ સુનીલ તટકરેએ પણ આ પદ પર પોતાનો દાવો ઠોક્યો છે. આ ખેંચતાણના કારણે પક્ષનો આંતરિક વિખવાદ ચારેયબાજુ છતો થઈ ગયો છે.
હવે જોવાનું એ રહેશે કે રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવીને NDAમાં જોડાશે કે કેમ?









