'મારી સાથે આ ભાષામાં આ વાત નહીં કરવાની', જનતાએ રોડ બનાવવાનું કહેતા મોદી કેબિનેટના મંત્રી ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jyotiraditya Scindia: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા અધૂરા રહેલા રસ્તાના મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને લાંબા સમયથી ચાલી રહેલી ઉપેક્ષાને લઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ તેમના કાફલાને રોકીને વિરોધ નોંધાવ્યો હતો.
'રોડ નહીં તો વોટ નહીં'ના નારા સાથે વિરોધ
ગ્રામજનોએ હાથમાં બેનરો લઈને 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા લગાવ્યા હતા. જ્યારે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એક ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે વિરોધ કરી રહેલા લોકોએ તેમનો કાફલો રોકી દીધો હતો. આ દરમિયાન એક ગ્રામજન સાથે મંત્રીની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. વીડિયોમાં એક નાગરિક મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતો સાંભળવા મળે છે કે જો આ વખતે રસ્તાનું કામ નહીં થાય તો આગામી ચૂંટણીમાં કોઈ મત નહીં આપે.
જ્યોતિરાદિત્ય સિંધિયાનો સખત જવાબ અને તાત્કાલિક જાહેરાત
લોકોની ભાષા અને વિરોધ કરવાની રીત સામે જ્યોતિરાદિત્ય સિંધિયાએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'મારી સાથે આ ભાષામાં ક્યારેય વાત ન કરવી. તમે આવીને અરજી કરો, કામ કરાવવાની જવાબદારી મારી છે.' જોકે, આ ઘટનાના અડધા કલાકની અંદર જ એક સાર્વજનિક કાર્યક્રમમાં મંત્રી સિંધિયાએ રસ્તાના નિર્માણ માટે રૂ. 3 કરોડ મંજૂર કરવાની જાહેરાત કરી દીધી હતી. આ રકમ ગુનાના ધારાસભ્ય પન્નાલાલ શાક્યાના ધારાસભ્ય ફંડમાંથી ફાળવવામાં આવી છે.
ચોમાસા પછી કામ શરૂ કરવાના નિર્દેશ
વિવાદ વધ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ જિલ્લા કલેક્ટરને પણ કડક સૂચના આપી છે કે ચોમાસાની ઋતુ પૂરી થતાની સાથે જ આ રસ્તાના નિર્માણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. સ્થાનિક રહેવાસીઓની લાંબા સમયથી ફરિયાદ હતી કે નગરપાલિકા અને તંત્ર દ્વારા પાયાની નાગરિક સુવિધાઓ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે આ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું હતું.




